મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પાલિકાએ 20 વર્ષ જૂનું અલથાણનું વેજિટેબલ માર્કેટ તોડવાનું શરૂ કરાતા રોષ

સુરતના અલથાણ ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટ બાદ અલથાણ વેજીટેબલ માર્કેટના રી- ડેવલપમેન

સુરત/ પાલિકાએ 20 વર્ષ જૂનું અલથાણનું વેજિટેબલ માર્કેટ તોડવાનું શરૂ કરાતા રોષ

સુરતના અલથાણ ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટ બાદ અલથાણ વેજીટેબલ માર્કેટના રી- ડેવલપમેન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. નવા માર્કેટ માટેનો પ્લાન મંજૂર થઈ ગયો છે અને કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. દરમિયાન અહીં શાકભાજી વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાનું વચન પાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ આજે તા. 16 મેની સવારે જેસીબી લઈ પાલિકાનો સ્ટાફે વેજીટેબલ માર્કેટના શેડ તોડવાની કામગીરી શરૂ કરતા રોષે ભરાયા હતા. જેથી રોષને પારખીને શિવમ હોસ્પિટલની બાજુમાં જગ્યા ફાળવવામાં આવી હતી.

પરિવારના ગુજરાનને લઈને સવાલો

સ્થાનિક વેપારીઓએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, 20 વર્ષ પહેલાં અહીં પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. ત્યારે લાયસન્સ બનાવાયા હતા. તેની પર 20 વર્ષથી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવીએ છે. નવી માર્કેટ બને તેની સામે અમને વાંધો નથી, પરંતુ એ માર્કેટ ક્યારે બનશે તેની સમયમર્યાદા નક્કી નથી. અમારી માંગણી એટલી જ છે કે જ્યાં સુધી નવું માર્કેટ ન બને ત્યાં સુધી અમને શાકભાજી વેચવા માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે.

નવું માર્કેટ બનાવવા જૂનું તોડાયું

ટેનામેન્ટના રહીશોને નવા આવાસ બન્યા ત્યાં સુધી ભાડા આપવામાં આવ્યા તો પાલિકા અમને વેપાર કરવા માટે કોઈ જગ્યા પણ ન આપી શકે? એવો પ્રશ્ન શાકભાજીવાળાઓએ ઉઠાવ્યો હતો. આ સાથે જ શાકભાજીવાળાઓએ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે નવા માર્કેટમાં જગ્યા કેવી રીતે મળશે તે અંગે પણ પાલિકા દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ અંગે સ્પષ્ટતા કરવા પણ માંગ કરાઈ છે.
પાલિકાના અધિકારી જતીન દેસાઈએ કહ્યું કે, નવું માર્કેટ બનાવવા માટે જૂનું માર્કેટ તોડવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી ફેરિયાઓ આઝાદનગરના રસ્તા પર વેપાર કરી શકે છે. જ્યારે નવું માર્કેટ બનશે ત્યારે જગ્યા ફાળવવામાં આવશે.

આ સમાચાર શેર કરો