સુરત પાલિકાના અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, બજેટનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ ન કરનાર સામે કાર્યવાહીની ચીમકી
સુરત પાલિકાની સામાન્ય સભામાં મંજુર થયેલા વર્ષ 2024-25 ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ

સુરત પાલિકાની સામાન્ય સભામાં મંજુર થયેલા વર્ષ 2024-25 ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ કાગળ પર નહી રહે અને તેની ઝડપી અમલવારી થાય તે માટે દર મહિને સ્થાયી સમિતિને પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. દર મહિનાની છેલ્લી તારીખની સ્થાયી સમિતિમાં પ્રોજેક્ટ અંગેની માહિતી આપવા તાકીદ છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કોઈ માહિતી રજુ કરવામાં આવતી ન હતી.
સ્થાયી અધ્યક્ષે લીધી નોંધ
આ પ્રકારની ગંભીર બેદરકારી બહાર આવતાં સ્થાયી અધ્યક્ષ ગંભીર નોંધ લઈ સીટી ઈજનેરને બોલાવી જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે ચીમકી આપતા સીટી ઈજનેરે તાકીદે નોંધ જાહેર કરી દીધી છે. સુરત પાલિકાના વહીવટી તંત્રના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી કે પ્રજાલક્ષી કામો કરતા નથી તેવા પ્રકારની ફરિયાદ પાલિકાની સામાન્ય સભા સાથે-સાથે સ્થાયી સમિતિમાં પણ કોર્પોરેટરો દ્વારા ફરિયાદનો ઢગલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓ ફોન ન ઉચકતા હોવાની ફરિયાદ તો સામાન્ય છે પરંતુ સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હોવા છતાં પણ અધિકારી તેનો અમલ નહી કરતા હોવાનો અનુભવ ખુદ સ્થાયી સમિતિ અધ્યક્ષને થઈ ગયો છે.
સીટી ઈજનેરે નોંધ જાહેર કરી
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટના પ્રોજેક્ટ ઝડપી બને તે માટે કામગીરી માટે સુચના આપી હતી. પરંતુ તેનો અમલ થોડો પણ ન થતાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સીટી ઈજનેર અક્ષય પંડ્યાને બોલાવ્યા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષે હવે પછી આ પ્રકારની ભૂલ થશે અને સૂચનાનો અમલ નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે ચીમકી આપી હતી.સ્થાયી સમિતિ અધ્યક્ષે આપેલી ચીમકી બાદ સીટી ઈજનેરે ગઈકાલે જ એક નોંધ જાહેર કરીને તમામ અધિકારીઓને સુચિત કર્યા હતા. આ નોંધમાં દરેક ઝોન અને વિભાગમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ સીઈ સ્પેશિયલ સેલને મોકલી આપવા માટે તાકીદ કરી છે.








