મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મનપાના નિવૃત સિનિયર ક્લાર્કના અંગોનું દાન, કિડની અને લિવરના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવું જીવન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી

સુરત મનપાના નિવૃત સિનિયર ક્લાર્કના અંગોનું દાન, કિડની અને લિવરના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવું જીવન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાંથી વર્ષ ૨૦૨૦માં સીનીયર ક્લાર્ક તરીકે નિવૃત થયેલા વિજયકુમાર ઠક્કરના કિડની અને લિવરના અંગોનું દાન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન ન્યુ શેઠ પી.ટી મલ્ટીસ્પેશીયાલીટી (સુરત જનરલ) હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં એક વર્ષની બહેનના રુદનથી કંટાળેલા 13 વર્ષના ભાઈએ કરી હત્યા, ઓશીકું મોં પર દબાવી દેતા શ્વાસ રૂંધાયો

ટુ વ્હીલર સ્લીપ થતા ઈજા પહોંચી

૨૦ જાન્યુઆરીના રોજ વિજયકુમાર, પત્ની ઈલાબેન સાથે ટુ વ્હીલર બાઈક પર સ્મીમેર હોસ્પિટલમાં ઈલાબેન ની દવા લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે લાલ દરવાજા પાસે ઓવરબ્રીજની ઉપર અકસ્માતે બાઈક સ્લીપ થઇ જતા તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. માથામાં ઇજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજ માં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડએ ક્રેન્યોટોમી કરી મગજ માં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. તા. ૨૦ જાન્યુઆરીનો રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે વધુ સારવાર માટે તેમને ન્યુ શેઠ પી.ટી મલ્ટીસ્પેશીયાલીટી (સુરત જનરલ) હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા.  

તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા

તા. ૨૨ જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, ઈન્ટેન્સીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જર, ડૉ. કૃણાલ શાહ, મેડીકલ એડમિનિસ્ટ્રેટર અને ફિઝીશિયન ડૉ. મધુકર પરીખે વિજયકુમારને બ્રેઈનડેડ જાહેર કર્યા.વિજયકુમારના ભાણેજ વિરેશ રંજનભાઈ ઠક્કરે ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિજયકુમારના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી, અંગદાનની પ્રક્રિયા સમજાવવા હોસ્પિટલ આવવા જણાવ્યું. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી વિજયકુમારની પત્ની ઈલાબેન, પુત્ર પાર્થ, ભાણેજ વિરેશભાઈ, ભાણેજ વહુ ભાવનાબેન, વેવાઈ જયેશભાઈ ઠક્કર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

અંગદાનનો નિર્ણય

વિજયકુમારની પત્ની ઈલાબેન, પુત્ર પાર્થ, ભાણેજ વિરેશભાઈ એ જણાવ્યું કે વિજયકુમાર સેવાભાવી તેમજ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા, ત્યારે મારા પપ્પા હંમેશા કહેતા કે અંગદાન નું કાર્ય ઈશ્વરીય કાર્ય છે, મારા પપ્પા કહેતા હતા કે જો તેઓ બ્રેઈનડેડ થાય તો તેમના અંગોનું દાન જરૂરથી કરાવજો. પપ્પા બ્રેઈનડેડ છે, ત્યારે તેમની ઈચ્છા મુજબ તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને અંગ નિષ્ફતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. વિજયકુમારના પરિવારમાં પત્ની ઈલાબેન ઉ.વ. ૫૬, પુત્ર પાર્થ ઉ.વ. ૩૧ જે વરીયાવમાં A/C અને ફ્રિઝ રીપેરીંગની દુકાન ધરાવે છે અને પુત્રવધુ એકતા ઉ.વ.૩૧ છે. 

કિડની અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ કરાશે

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની એપોલો હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદની બે હોસ્પિટલને ફાળવવામાં આવશે.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડૉ. ચિરાગ દેસાઈ, ડૉ. અંકુર વાગડિયા અને તેમની ટીમ દ્વારા બરોડાના રહેવાસી ઉ.વ. ૪૨ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે. 

ગ્રીન કોરિડોર કરાયો

લિવર અને કિડની હવાઈ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ન્યુ શેઠ પી.ટી મલ્ટીસ્પેશીયાલીટી (સુરત જનરલ) હોસ્પિટલ  થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૩૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો