કોણ છે મુકેશ દલાલ? સુરત બેઠક પર બિન હરીફ લોકસભા ચૂંટણી જીતનારા ઉમેદવારની કેટલી છે સંપત્તિ
સુરત લોકસભા બેઠક પર અપક્ષ તેમજ અન્ય પક્ષો મળીને આઠ લોકોએ ઉમેદવારી પરત ખેચી લેતા ભાજપના મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા હતા. મુકેશ દલાલ ભાજ

સુરત લોકસભા બેઠક પર અપક્ષ તેમજ અન્ય પક્ષો મળીને આઠ લોકોએ ઉમેદવારી પરત ખેચી લેતા ભાજપના મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા હતા. મુકેશ દલાલ ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ વિજેતા સાંસદ બન્યા છે. સમગ્ર દેશની લોકસભા ચૂંટણી યોજાઇ તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર પ્રથમ સાંસદ બની ગયા છે.
કોણ છે મુકેશ દલાલ?
મુકેશ દલાલ વર્ષ 1981માં ભાજપમાં જોડાયા હતા અને વિવિધ પદો પર કામ કરી ચુક્યા છે. મુકેશ દલાલ ભાજપ યુવા મોર્ચામાં પણ કામ કરી ચુક્યા છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત શહેર ભાજપના મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તે સુરત મહાનગરપાલિકા (SMC)ના સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તે ભાજપના શહેરી કાર્યકારી સભ્ય, સુરત મહાનગરપાલિકામાં 3 વખત કોર્પોરેટર, 4 વખત સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યાં છે. તે છેલ્લા ત્રણ વર્ષથી શહેર ભાજપના મહાસચિવ રહ્યાં છે. તે સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન પણ રહી ચુક્યા છે. મુકેશ દલાલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના નજીકના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
એફિડેવિટમાં કર્યો હતો સંપત્તિનો ખુલાસો
મુકેશ દલાલની ગત નાણાંકીય વર્ષમાં વાર્ષિક આવક 14,22,530 રૂપિયા રહી છે, તેમની એફિડેવિટ અનુસાર ચલ સંપત્તિ 3.16 કરોડ રૂપિયા છે, જ્યારે અચલ સંપત્તિ 6.15 કરોડ રૂપિયા છે. મુકેશ દલાલ પર 1.16 કરોડ રૂપિયાની લોન છે. મુકેશ દલાલ પાસે ખુદની બે ગાડી છે. 3.5 લાખ રૂપિયાની હોન્ડા સિટી અને 4.45 લાખ રૂપિયાની મારૂતિ સુઝુકી ઇગ્નિસ છે, તેમની પાસે 8.56 લાખ રૂપિયાની કિંમતના 130 ગ્રામ સોના અને હીરાની જ્વેલરી છે. જ્યારે પત્ની પાસે 23.70 લાખનું 360 ગ્રામ સોનું અને હીરાની જ્વેલરી છે.
મુકેશ દલાલની પત્નીની ચલ સંપત્તિ 2.47 કરોડ રૂપિયાની છે જ્યારે અચલ સંપત્તિ 3.93 કરોડની છે. મુકેશ દલાલ કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને તેમની પોતાની આવકનો મુખ્ય સ્ત્રોત પોતાના વેપારને ગણાવ્યો છે. મુકેશ દલાલ MBA (ફાઇનાન્સ) કર્યું છે અને તેમની પાસે LLBની પણ ડિગ્રી છે.








