દાહોદ દુષ્કર્મ-હત્યા કેસ: ઘટનાના 9 દિવસ બાદ ભાજપના સાંસદ જાગ્યા! પ્રથમ નિવેદન આપતા જાણો શું કહ્યું
કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં થોડા સમય પૂર્વે મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેના વિરો

કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં થોડા સમય પૂર્વે મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેના વિરોધમાં રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ટ્વીટ કરીને આ ઘટનાને વખોડવામાં આવી હતી, પરંતુ દાહોદમાં માત્ર છ વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને બાદમાં હત્યા કરવામાં આવી હતી. તેના પર હજુ સુધી કોઈ ટ્વીટ કરવામાં આવ્યું નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ મામલે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદે જણાવ્યું કે, 19 તારીખે ઘટના બની બની હતી અને 21 તારીખે મે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી હતી.
મહત્ત્વનું છે કે, પોતાના વિસ્તારમાં આટલી મોટી ઘટના બન્યા બાદ મોટો સવાલ એ થાય કે, સાંસદશ્રીને બાળકીના પરિવારજનોને આશ્વાસન આપવામાં પણ બે દિવસનો સમય લાગ્યો? એ તો ઠીક પણ ત્યારબાદ વિસ્તારના સાસંદ હોવાને નાતે એક સત્તાવાર નિવેદન આપવામાં પણ લગભગ નવ દિવસ જેટલો સમય લાગ્યો હોવાની ચર્ચા છે. દુ:ખદ ઘટનાને વખોડી કાઢવા અને નિંદા કરવામાં આટલો સમય લાગે ખરો? કાયદો તો કાયદાનું કામ કરશે જ અને આગળ પણ કરતો રહેશે.પણ અહીં સવાલ એ છે કે, રાજ્યમાં ક્યાં સુધી માસૂમ બાળકીઓ આ પ્રકારની ઘટનાનો ભોગ બનતી રહેશે? અટકાવવા માટે ક્યાં પ્રકારના પગલા લેવાશે એ દીકરીના દરેક મા-બાપનો સરકારને પણ વેધક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકામાં આપેલા અનામતના મુદ્દે આપેલા નિવેદનને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના નેતાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારે દાહોદના સાસંદને જ્યારે દુષ્કર્મ મામલે પત્રકારોએ પ્રશ્ન પૂછતા તેમણે નિવેદન આપ્યું હતું.
તોરણી ગામે આચાર્ય દ્વારા બાળકીની હત્યાના મામલે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકાર આ સમગ્ર મામલે કડકમાં કડક પગલાં ભરશે. કોઈપણ આરોપી હશે તેને છોડવામાં નહીં આવે. ફાસ્ટટ્રેક કોર્ટ મારફતે કેસ ચલાવીને કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ દુઃખ સાથે આ ઘટનાને અમે વખોડીએ અને નિંદા કરીએ છીએ. દાહોદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને હું આજે ફરીથી પરિવારજનોની મુલાકાતે જવાના છીએ.
શું હતો સમગ્ર મામલો?
દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.
વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.








