મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોનગઢમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકાર સ્થિતિથી આશ્રમ શાળામાં બાળકો ફસાયા

ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર

સોનગઢમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકાર સ્થિતિથી આશ્રમ શાળામાં બાળકો ફસાયા

ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (2 સપ્ટેમ્બરે) સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. 

બાળકોનું રેસ્ક્યુ

રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે.

આ સમાચાર શેર કરો