AHMEDABAD : એમ્બ્યુલન્સ સર્વિસના નામે 5 કરોડથી વધુની છેતરપિંડી, ડોક્ટર સહિત ત્રણ સામે નોંધાયો ગુનો, બેની ધરપકડ
Ahmedabad News : છેતરપિંડીનો એક અનોખો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના ના

Ahmedabad News : છેતરપિંડીનો એક અનોખો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. પોલીસે ફરિયાદના આધારે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જોઈએ કોણ છે આરોપીઓ અને કઈ રીતે આચરી છે છેતરપિંડી.
અમદાવાદ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં જીગરભાઈ શહેરાવાળા નામના વ્યક્તિએ પોતાની સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સુરતમાં રહેતા ડોક્ટર હાર્દિક પટવા, સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર તેમજ યસ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે હેમંત પરમાર અને મયુર વાલ્મીકિની ધરપકડ કરી છે.
પોલીસની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદી જીગરભાઈ શહેરાવાળાને અમદાવાદની શારદાબેન હોસ્પિટલના બહારના ભાગમાં મળ્યા હતા ત્યારે તેમણે ફરિયાદી જીગરભાઈને પોતે સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. વાતચીત દરમ્યાન હાર્દિક પટવા પોતે ડોકટર હોવાથી પોતાના નામે એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી શક્યો નથી તેથી તેણે હેમંત પરમારના નામે સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુર ગોસ્વામીના નામે યસ એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે અને તે તમામ પોતાના હસ્તક અને પોતાની તમામ જવાબદારીઓ વાળી એમ્બ્યુલન્સ સર્વિસ છે, એવું જણાવ્યું હતું. આ બંને એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરવા માટે ફરિયાદી જીગરભાઈને વાત કરી હતી.
આ ડોક્ટરની વાતોમાં જીગરભાઈ આવી ગયા હતા અને તેના પર ભરોસો રાખી પોતે તેમજ તેમના મિત્રવર્તુળ અને સગા-સંબંધીઓ મારફતે અલગ અલગ સમયે પાંચ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2019 થી 2023 સુધીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેનું વળતર માંગતા હાર્દિક પટવા તેને યોગ્ય જવાબ આપતા નહોતા જેથી ફરિયાદી જીગરભાઈએ ડોક્ટર પાસે લેખિતમાં બાહેંધરી લખાવી હતી.
લેખિત બાહેંધરી બાદ પણ ડોક્ટર તેને મૌખિક વાયદાઓ આપ્યા કર્યા હતા અને પૈસાનું વળતર આપ્યું નહોતું. જેથી ફરિયાદી હાર્દિકભાઈને પોતાની સાથે છેતરપિંડી થતા હોવાનો ખ્યાલ આવતા તેને ફરિયાદ નોંધાવી હતી.
હાલતો અમદાવાદ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે. જ્યારે ડોક્ટર તરીકે ઓળખ આપનાર હાર્દિક પટવા હાલ ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર અન્ય કોઈ લોકો સાથે આ ત્રિપુટીએ છેતરપિંડી કરી છે કે કેમ અથવા તો આ છેતરપિંડી કરતી ગેંગમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.








