મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્વોરી હડતાળનો 14મો દિવસ: દિવાળી પહેલાં 1 લાખથી વધુ શ્રમજીવીઓએ રોજગારી ગુમાવી

ક્વોરી ઉદ્યોગનો આજે હડતાળનો 14મો દિવસ છે, પડતર 7 માંગનો રાજ્ય સરકારે ઉકેલ લાવવાની હૈયાધારણા આપ્યા પછી

ક્વોરી હડતાળનો 14મો દિવસ: દિવાળી પહેલાં 1 લાખથી વધુ શ્રમજીવીઓએ રોજગારી ગુમાવી

ક્વોરી ઉદ્યોગનો આજે હડતાળનો 14મો દિવસ છે, પડતર 7 માંગનો રાજ્ય સરકારે ઉકેલ લાવવાની હૈયાધારણા આપ્યા પછી પણ છેલ્લા 2 વર્ષથી સુખદ ઉકેલ ન આવતાં છેવટે ક્વોરી ઉદ્યોગકારોએ ગત તારીખ-3 ઓક્ટોમ્બરથી ઉત્પાદન ઠપ્પ કરી દીધું છે. જેના કારમે વિપરીત અસરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. કોઈપણ નવું બાંધકામ હોય તેમાં કપચીની મોટાપાયે જરૂરિયાત હોય છે, પરંતુ જિલ્લામાં ક્યાંયથી પણ કપચી મળતી ન હોવાથી નવા બંધાકામે અટકી પડ્યાં છે.

10થી વધુ નાના મોટા રોજગારને અસર

જ્યારે વેપારીઓ પણ ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થવાના કારણે અન્ય કામો કરી શક્તા નથી. અનેક વિસ્તારોમાં પુરણ માટે ડસ્ટ પણ મળવાનો બંધ થતાં ક્વોરી ઉદ્યોગના કારણે અંદાજીત 10થી વધુ નાના મોટા રોજગારને અસર થઈ રહી છે.

રાજ્ય સરકારે 9.10 કરોડની રોયલ્ટીની આવક ગુમાવી

રાજ્ય સરકાર માત્ર સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 14 દિવસની જડબેસલાક હડતાળથી રૂપિયા 9.10 કરોડની રોયલ્ટીની આવક ગુમાવી દીધી છે.

રાજ્ય સરકારે રેતીની રોયલ્ટી પણ ગુમાવી

કપચી ઉત્પાદન ઠપ્પ થવાના કારણે હવે રેતીની માંગ પણ ઘટી જતાં સરકારે રેતીની રોયલ્ટી ગુમાવવાનો પણ વારો આવ્યો છે. કામકાજ ઠપ્પ થતાં તેની સીધી અસર ઈંટવાડા ઉદ્યોગ, સિમેન્ટ અને સ્ટીલના વેપારીને પણ થવા માંડી છે.

બાંધકામ ઉદ્યોગ અને ક્વોરી ઉદ્યોગ પર નભતા જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં રાજસ્થાનના મજૂરોને દિવાળી સમયે જ રોજગારીથી હાથ ધોઈ નાખવાનો વારો આવ્યો છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ લાંબી ખેંચાશે તો બજારોમાં તેની વિપરિત અસર જોવા મળી શકે છે.

સરકાર મચક આપવા નથી તૈયાર

રાજ્યમાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, દરેક જિલ્લાઓમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે એવા સમયે ક્વોરી ઉદ્યોગકારોએ ઉત્પાદન ઠપ્પ કર્યું છે, સરકાર પણ ક્વોરી ઉદ્યોગકારોને તેમના પડતર પ્રશ્નો મુદ્દે મટક આપે તેવા કોઈ અણસાર હજુ સુધી જોવા મળ્યા નથી.

આ સમાચાર શેર કરો