મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal: પંચાયતમાં ગામની વસ્તી કરતા વધુ લગ્નની નોંધણી થઈ હોવાનો આરોપ, તલાટી સસ્પેન્ડ

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીને લઈને એક મસમોટું કૌભાંડ સામે આવ

Panchmahal: પંચાયતમાં ગામની વસ્તી કરતા વધુ લગ્નની નોંધણી થઈ હોવાનો આરોપ, તલાટી સસ્પેન્ડ

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીને લઈને એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોની પંચાયતમાં ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણીઓ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી, જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

વસ્તી કરતા વધુ લગ્નની  નોંધણીઓ

2024માં થયેલી તપાસ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરા, કાલોલ અને ધોધંબા તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં લગ્ન નોંધણીના આંકડા ચોકાવનારા હતા. શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં 1502 અને ધોધંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણીઓ થઈ હોવાનું બહાર આવ્યું. આ આંકડાઓ ગામની વસ્તીના પ્રમાણની સરખામણીમાં ચોંકાવી  મુકે તેવી રીતે વધુ હોવાથી, આ નોંધણીઓ શંકાના દાયરામાં આવી છે. 

આ નોંધણીઓ દ્વારા લગ્નના પ્રમાણપત્રો (મેરેજ સર્ટિફિકેટ) આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું, જેમાં મોટાભાગની નોંધણીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને કરાઈ હોવાનો આરોપ છે. 

ગોપાલ ઈટાલીયા દ્વારા કરાઈ રજૂઆત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી, જેમાં તેમણે પંચમહાલ સહિત રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલી શંકાસ્પદ લગ્ન નોંધણીઓનો મુદ્દો ઉઠાવ્યો. ઈટાલીયાએ આરોપ લગાવ્યો કે આ પ્રકારની નોંધણીઓ આયોજનબદ્ધ રીતે થઈ રહી છે.  ઈટાલીયાની રજૂઆત બાદ રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા, જેના પરિણામે પંચમહાલ જિલ્લામાં વિગતવાર તપાસ શરૂ થઈ. 

તલાટી સસ્પેન્ડ

તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા, જેમાં જાણવા મળ્યું કે જવાબદાર તલાટી  એન.એમ.પરમારે તમામ નિયમોને નેવે મૂકીને લગ્ન નોંધણીઓ કરી હતી. આ ગેરરીતિઓમાં સંડોવણી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો