Surat: મહુવામાં માલધારી અને આદિવાસી સમાજ વચ્ચે મારામારીનો મામલે, MLA અનંત પટેલે આપી ચીમકી, જાણો શું કહ્યું?
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપલા ગામે દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન થયેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપલા ગામે દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ પેદા કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ મારામારી માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થઈ હતી, જેમાં માલધારી સમાજના કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે.
આક્રોશસભાનું આયોજન
આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગણી સાથે આદિવાસી સમાજ દ્વારા ગોપલા ગામે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા. આ આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અનંત પટેલે મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પોલીસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં બાકી રહેલા તમામ આરોપીઓને પકડવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
આ મામલે પોલીસે ગુનો નોંધીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ બાકીના આરોપીઓને પકડવા માટે આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે.







