રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂંક
Mithun Mistry Appointed as Chief Fire Officer of Rajkot Municipal Corporation | Rajkot News : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકા

Rajkot News : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા, જેમાં RMCના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર પણ સામેલ હતા. ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવતા તેમના સ્થાને કચ્છની ભુજ નગરપાલિકાના ફાયર વિભાગમાં જિલ્લા ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલ મારુને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા. જો કે 1.80 લાખની લાંચ લેતા પકડાતા અનિલ મારુને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે મિથુન મિસ્ત્રી
રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂંક કરવામાં આવી છે, જેઓ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં એડિશનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
1.80 લાખની લાંચ લેતા પકડાયા હતા અનિલ મારુ
રાજકોટ ગેમઝોન આગ ઘટનાના કેસમાં મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હાલ તે જેલમાં છે. તેમના સ્થાને અનિલ મારુને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ACBની ટીમે અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા ફરિયાદી RMCના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુ પાસે ફાયર NOC માંગવા ગયા હતા. ત્યારે અનિલ મારુએ ફરિયાદી પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ 1.20 લાખ રૂપિયા ત્યારે આપી દીધા હતા અને બાકીના 1.80 લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી જશે એવું કહ્યું હતું.
ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કરતા ACBએ રાજકોટ મહાનગરપાલીકાના સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફીસરની કચેરી ખાતે છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારુને રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.








