ગુજરાતના વીજ ગ્રાહકોને નજીવી રાહત, વીજ બિલના ફ્યૂઅલ સરચાર્જમાં 15 પૈસાનો ઘટાડો
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતના નાગરિકોને ઓછ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પુરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઇ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય 1.7.2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂપિયા 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઇથી સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે 400 કરોડથી વધુનો લાભ થશે.
જાન્યુઆરી 2024થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ 50 પૈસા ઘટાડીને રૂ. 3.35 થી રૂ.2.85 કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-2024થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ 40 પૈસા ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-2025 દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ. 2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.
યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.






