સુરતમાં લોક દરબારથી આધેડને મળી ખુશી, કબ્જો ન સોંપતા ભાડુઆત પાસેથી પોલીસે ખાલી કરાવી આપી દુકાન
સુરત પોલીસ દ્વારા છાસવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સરથાણા ખ

સુરત પોલીસ દ્વારા છાસવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો ભાડૂઆત સોંપતો ન હોવાની ફરિયાદ લોક દરબારમાં કરવામાં આવી હતી. આધેડ પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરીને દુકાન ખાલી કરાવી આપી હતી. જેથી આધેડના ચહેરા પર ખુશી આવી ગઈ હતી.
જીવનભરની મૂડી લગાવી હતી
અશોકભાઈએ કહ્યુ કે, હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવુ છું. 8 મહિના પહેલાં તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે તે દુકાનનો ભાડૂઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો. આ સાથે ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી. જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે. એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે.
પોલીસની કામગીરી
પોલીસે કહ્યુ કે, લોકદરબારમાં પોલીસ કમિશનરને સમગ્ર વાત મળી હતી. જેથી સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આપ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો.








