મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મેવાણીએ ધારાસભ્યની ગરિમા લજવી': PM મોદી પરના વાણી વિલાસને લઈને ભાજપનો આક્રોશ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ-આપ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ-આપ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા અંગે કરવામાં આવેલા નિવેદનોને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડીયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મેવાણીના નિવેદનોની સખત નિંદા કરી હતી અને તેને ગુજરાતના સંસ્કારની ભાષા ન હોવાનું જણાવ્યું હતું.

PM મોદી સામે વાણી વિલાસ પર આક્રોશ

ગૌતમ ગેડીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બક્ષીપંચ સમાજમાંથી આવે છે અને તેઓ આ પદ પર પહોંચ્યા છે તે વાત કેટલાક લોકોને સહન થતી નથી. તેમણે કહ્યું કે જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન માટે જે વાણી વિલાસ કર્યો છે તે ધારાસભ્ય તરીકેની ગરિમા લજવનારો છે.
"આ નિવેદન ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે, અમે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ." તેમના મતે, મેવાણીનું આ નિવેદન માત્ર વડાપ્રધાનનું નહીં, પણ સમગ્ર બક્ષીપંચ સમાજનું અને સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે.

'તાયફાની રાજનીતિ' 

ગૌતમ ગેડીયાએ મેવાણીની કાર્યશૈલી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જીગ્નેશ મેવાણી માત્ર સોશિયલ મીડિયામાં રહેવા માટે 'તાયફાની રાજનીતિ' કરે છે.  દારૂ અને અન્ય જાહેર મુદ્દાઓ અંગે વિધાનસભા જેવા યોગ્ય ફોરમ પર વાત કરવી જોઈએ, માત્ર બહાર નિવેદનો કરીને રાજનીતિ કરવી યોગ્ય નથી. ગેડીયાએ વધુમાં કહ્યું કે મેવાણીએ વડાપ્રધાનના માતા માટે પણ નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે, જે અત્યંત અશોભનીય છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જીગ્નેશ મેવાણીના નિવેદનો સામે વિરોધ પ્રદર્શનો યોજાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો