શિયાળામાં મેઘરાજાની એન્ટ્રી: વલસાડમાં કમોસમી વરસાદ પડ્યો, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગુલાબી ઠંડી શરૂ થવાને

ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગુલાબી ઠંડી શરૂ થવાને આરે હતી, ત્યાં તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં LCS3 અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે (24 ઓક્ટોબર) વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
એક તરફ લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની સંભાવનાને લઈને કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે.
વાપી પંથકમાં હળવો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરમિયાન વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં નેશનલ હાઈવે, સેલવાસ રોડ સહિત વાપી પંથકમાં હળવો વરસાદ થયો.
કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ
પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે.








