સુરતમાં જર્જરિત માનવદરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવા મેગા ડ્રાઈવ, 500થી વધુ પોલીસના કાફલો પહોંચ્યો
સુરતના સચિનના પાલીમાં 6 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે મોરચો માંડવ

સુરતના સચિનના પાલીમાં 6 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે મોરચો માંડવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગરોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતાં નહોતા. જેથી આજે પોલીસના 500 જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
અડચણો બાદ કાર્યવાહી
પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહી આવવાનો નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી રીંગરોડ માનદરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડીંગ છે. રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબુરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું. પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી.જેથી કાર્યવાહી હાથ ધરાઈ છે.
બંદોબસ્ત ગોઠવી દેવાયો
માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.








