Banaskantha : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા અંગે મંદિરના વહીવટદારના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી શક્તિ, ભક્તિ અને આસ્થાનો

Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાકુંભ એટલે કે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે. આ મહામેળા અંગે અંબાજી મંદિરના વહીવટદારના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાંમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂઆયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તા.12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. જેમાં આગોતરા આયોજન માટે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
વહીવટદારે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. વહીવટદારે અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂર દૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ.
આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ.મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા.








