મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: મેડિકલ કોલેજના ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ, સરકારી પગાર સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ

રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના 19 જ

Rajkot: મેડિકલ કોલેજના ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ, સરકારી પગાર સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ

રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના 19 જેટલા ડોક્ટરો સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ડો. દોશી નામના સામાજિક કાર્યકરે લખેલા પત્રથી આ મામલો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને રાજકીય તેમજ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પત્રમાં ઓર્થોપેડિક, રેડિયોલોજી અને પેથોલોજી વિભાગના ડોક્ટરોના નામ અને ખાનગી હોસ્પિટલોની વેબસાઈટ પરથી મળેલા તેમના ફોટા સાથેની વિગતોનો ઉલ્લેખ છે. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી અને નિયમો પર સવાલો ઉભા કર્યા છે.

19 ડોક્ટરો સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે

ડો. દોશીના પત્ર મુજબ, આ 19 ડોક્ટરો સરકારી પગાર લઈને નિયમોની વિરુદ્ધ ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ડોક્ટરો લાખો રૂપિયાનો સરકારી પગાર લે છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ લાખોની કમાણી કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કથિત કૌભાંડ ઉચ્ચ અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હોવાનો આરોપ છે.  પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડોક્ટરો તેમના સરકારી પગારનો 50 ટકા હિસ્સો મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓને આપીને આ ગેરકાયદેસર પ્રેક્ટિસને ઢાંકપિછોડો કરે છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ અને સિવિલ અધિક્ષક મોનાલી માકડિયા રહેમ નજર હેઠળ કોભાંડ ચાલે છે...

આ ડોક્ટરોની ખાનગી હોસ્પિટલોમાં હાજરીના પુરાવા તરીકે, કેટલીક જાણીતી હોસ્પિટલોની વેબસાઈટ પર તેમના નામ અને ફોટા પણ જોવા મળ્યા છે. આ ડોક્ટરો સરકારી સેવાના નિયત સમય દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાનું જણાયું છે, જે નિયમોનો સીધો ભંગ છે.

સરકારી નિયમો અનુસાર, મેડિકલ કોલેજના ડોક્ટરો અને સિવિલ હોસ્પિટલના તબીબોએ સરકારી સેવાના નિયત સમય દરમિયાન ફરજ બજાવવાની હોય છે. આ સમયે ખાનગી પ્રેક્ટિસ કરવી ગેરકાયદેસર છે.  બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ દ્વારા તબીબોની હાજરી નોંધવામાં આવે છે, છતાં ડોક્ટરો માત્ર સહી કરીને પગાર લે છે અને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરે છે. 

સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર

આની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર પડે છે, જેઓ સરકારી હોસ્પિટલોમાં મફત કે ઓછા ખર્ચે સારવાર મેળવવા આવે છે. આ ડોક્ટરોની ગેરહાજરીને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે અને યોગ્ય સારવાર મળતી નથી, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આ જ ડોક્ટરો ઊંચી ફી લઈને સેવા આપે છે.

મેડિકલ કોલેજના ડીનનું નિવેદન

આ મામલે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલે જણાવ્યું કે, વાયરલ થયેલા પત્રની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું, "આરોગ્ય વિભાગે આ મુદ્દે તપાસ કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. બાયોમેટ્રિક હાજરી અને નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવશે." ડો. પટેલે એમ પણ જણાવ્યું કે, જો કોઈ ડોક્ટર નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

સરકારી સેવાના સમય દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં કામ કરવું ગેરકાયદેસર છે. જો આરોપો સાચા જણાશે, તો સંબંધિત ડોક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો