તાપી નદીના કિનારે પાળા યોજનાનો ભંગ કરી માટી પુરાણ, સુરત શહેરમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ
તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે ફરી એક

તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે ફરી એકવાર તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્તિ કરવામાં આવી રહી છે. તાપી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઇઓનો ભંગ કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે. જેથી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તેમજ લો-લાઈંગ વિસ્તારમાં આવતા સર્વે નંબરોના બિન ખેતી હુકમો રદ્દ કરવા બાબત અને પૂર જેવી પરિસ્થિતિથી સુરત શહેરની રક્ષા કરવા કોંગ્રેસના દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પાણી ભરાવાની સમસ્યા
ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ વિઘા ગૌચરની અને સરકારી પડતરની જમીનો અને આશરે ૩૦૦ થી ૩૫૦ વિઘા ખાનગી જમીન આવેલ છે. ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી. આ સમગ્ર વિસ્તાર તાપી નદીના ફલડ પ્લેન ઝોનનો વિસ્તાર છે અને લો-લાઈંગ વિસ્તાર છે. અને વધુ વરસાદ પડે તો વિસ્તાર ડૂબમાં જાય એમ છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો. જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી.
વહનક્ષમતા તાપીની ઘટી
પ્રાંત અધિકારી ઓલપાડના રિપોર્ટમાં જણાવેલ હકીકતો પ્રમાણે આ તમામ બ્લોક નંબરો બિનખેતી કરી દેવામાં આવેલ છે. અને હાલમાં આ બ્લોક નંબરોમાં સિમેન્ટના પાળાઓ બનાવી દેવામાં આવેલ છે. સ્લેગના ઢગલાઓ પાથરી દેવામાં આવેલ છે. મોટા પાયે માટી પુરાણ કરી દેવામાં આવેલ છે. સદરહું બ્લોક નંબરોમાં સિમેન્ટના પાળા પાણી ન ભરાઈ જાય તે માટે બનાવી દેવામાં આવેલ છે. પરંતુ અહી નોંધનીય બાબત એ છે કે આ તમામ બ્લોક નંબરો ડૂબાણ વિસ્તારમાં આવે છે અને આ સિમેન્ટના પાળાઓ વરસાદી પાણી રોકવાનું પૂરેપૂરું કામ કરશે. જેને કારણે ભાઠા ગામના હેઠવાસના આવેલ વિસ્તારોમાં બોટલનેકિંગ થવાને કારણે પાણી ભરાઈ જવાની અને પુર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આજથી ૧૫ વર્ષ પહેલા તાપી નદીની વહન ક્ષમતા ૧૦ લાખ ક્યુસેક પાણીની હતી જે હાલમાં ફક્ત ૩ લાખ જેટલી જ રહી ગયેલ છે. તાપી નદી કિનારે આવેલ સરકારી ખાર ખરાબાની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બની જવાથી તાપી નદીમાં બોટલનેકિંગની પરિસ્થિતિ સર્જાયેલ છે. અને દર ચોમાસામાં પાણી નિકાલની સમસ્યાઓ ઊભી થાય છે. જેથી આ ગેરકાયદેસર બનેલ ઝીંગા તળાવો દૂર કરવા પણ તાપી નદીની વહન ક્ષમતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે.








