રાજકોટ: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, આ કારણે ભર્યું પગલું
ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યભરમાં લોકો જ્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા હતાં, તે દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ બીમારીથી કંટાળીને હોસ્ટેલમાં જ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનું સામે આવ્યું
18 વર્ષીય શારેડ્ડી સાંઈરામ નામનો વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાને આ દુ:ખદ ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો: ભાવનગર: હમીપરા ગામમાં અદાવત મામલે એક પરિવારના સભ્યો પર 18 લોકોનો હુમલો, 8 ઘાયલ
યુવકે બીમારી સબબ કર્યો હતો આપઘાત
સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતાં વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે બાબતે કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં વિદ્યાર્થી લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું. જે બીમારીની સતત પીડાથી હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું.








