મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો

ઓરિસ્સાથી ગુજરાત તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક

દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો
આ સમાચાર સાંભળો

ઓરિસ્સાથી ગુજરાત તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક પદાર્થોની થતી હેરાફેરીનો રેલવે પોલીસે ફરી એક વખત પર્દાફાશ કરી ટ્રેનના દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાં છુપાવેલ રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ગાંજાનો મોટો જથ્થો કબજે કર્યો છે.

રેલવે પોલીસે તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર પુરી-ગાંધીઘામ એક્સપ્રેસ ટ્રેન આવતા જ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનના દિવ્યાંગ કોચમાં રેલવેની એસઓજી પોલીસ દ્વારા તપાસ  હાથ ધરી હતી ત્યારે શૌચાલયની છતની પ્લાય તૂટેલી હાલતમાં હતી જેથી તેમાં શંકાસ્પદ વસ્તુઓ કોઇએ મૂકી હોવાનું જણાતા છતમાં ચેક કરતા અંદરથી મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ તેમજ એક મિણીયો વજનદાર કોથળો બિનવારસી હાલતમાં મળ્યો હતો.

કેરિયર કોણ હતું તે હજી સુધી જાણી શકાયું નથી

શૌચાલયની છત પરથી મળેલા આ થેલાઓમાં નશાકારક વસ્તુઓ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરતા અંદરથી રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ૧૧૩.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો  હતો. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ગુજરાતમાં સપ્લાય થતો હતો જો કે કેરિયર કોણ હતું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ જથ્થો કબજે કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ૧૦ દિવસ પહેલા પણ ઓરિસ્સાથી આવતી એક ટ્રેનમાં દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાં છુપાવેલો ગાંજાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં પોલીસે કબજે કર્યો  હતો.

આ સમાચાર શેર કરો