સુરત: માંગરોળ ગેંગરેપ કેસના આરોપીનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલમાં દમ તોડ્યો
વડોદરાના ભાયલી બાદ હવે સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્

વડોદરાના ભાયલી બાદ હવે સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. બે આરોપીને પકડી લીધા હતા. જે પૈકી આજે એક આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું છે.
સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, આરોપી શિવ શંકરને 108માં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. શ્વાસ લેવાની તકલીફ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ તો હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.
માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો.
શું હતી ઘટના?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી.








