સુરતમાં કરોડની છેતરપિંડી કેસમાં ફરાર CA ફર્મના મેનેજર ઝડપાયો, ટ્રસ્ટના દાનરૂપે આવેલા રૂપિયા કર્યા સગેવગે
સુરતમાં એક કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી હરેશ ઉર્ફે હરીશ છગનભાઇ સિસારાને પકડી પાડવામાં સફળતા

સુરતમાં એક કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી હરેશ ઉર્ફે હરીશ છગનભાઇ સિસારાને પકડી પાડવામાં સફળતા મેળવી છે. સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્રણ શખ્સોએ, જેમાં આંગડિયા ફર્મના મેનેજરનો પણ સમાવેશ થાય છે. 1 કરોડની છેતરપિંડી કરી હતી. ભાવિક પટેલની ફરિયાદ મુજબ સરથાણા વિસ્તારમાં પોતાની સી.એ.ફર્મ ચલાવે છે અને તેમની પાસે સારી ક્લાયન્ટ બેઝ છે. તેમની મુલાકાત તેમની એક ક્લાયન્ટના મારફતે હરીશ સિસારા સાથે થઈ હતી. સિસારાએ પટેલને જણાવ્યું હતું કે તેને મોટી ફર્મ્સ સાથે સંપર્ક છે અને તે જરૂર પડે ત્યારે રોકડને બેંક એન્ટ્રીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી શકે છે. રાજકોટ સ્થિત રાગિની બિપિન્ચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટે રૂ.1 કરોડ રોકડમાં દાનરૂપે પ્રાપ્ત કર્યા હતા. ટ્રસ્ટ આ રકમને બેંક એકાઉન્ટમાં જમા કરવા માગતું હતું, જેના માટે સુરતના ભાવિકભાઇ પટેલનો સંપર્ક કર્યો. આ કામ માટે તેમણે આંગડિયા સર્વિસનો ઉપયોગ કર્યો. જો કે, આ રકમ મોટી હોવાને કારણે તેમના સામાન્ય આંગડિયા પ્રોવાઇડર્સે સહકાર આપવાનો ઈનકાર કર્યો.
આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં ભગવાન શિવને ચડે છે જીવતા કરચલા, બાધા પૂર્ણ થતાં ભાવિકો લગાવે છે લાઈન
બેંક ખાતામાં જમા ન કરાવી રકમ
પટેલે આરોપી હરેશ સિસારાનો સંપર્ક કર્યો, જેણે બેંકમાં RTGS દ્વારા એન્ટ્રી કરવાનો ભરોસો આપ્યો. 30 માર્ચે, સિસારાએ કહ્યું કે, ટ્રસ્ટના ખાતામાં RTGS એન્ટ્રી ભજનલાલ શર્માના ખાતા દ્વારા કરવામાં આવશે. આ માટે દિલ્હી ખાતે અભય પાટીલને રકમ મોકલવાની જરૂરિયાત છે. હરેશ સિસારાએ પટેલને મહિધરપુરા સ્થિત એસ.કે.આંગડિયા ફર્મમાં લઈ જઈ ત્યાંના મેનેજર દિનેશ પટેલ સાથે મુલાકાત કરાવી. દિનેશે આ ટ્રાન્ઝેક્શન માટે પુષ્ટિ આપીને ફર્મના સ્ટેમ્પ સાથે લખિતમાં ખાતરી આપી હતી.કેટલાક કલાકો બાદ, સિસારાએ પાટીલને કોલ કર્યો, જેમણે રોકડ પ્રાપ્ત કરવાની પુષ્ટિ કરી પરંતુ, ટ્રસ્ટના બેંક ખાતામાં RTGS દ્વારા રકમ જમા ન થતા, પટેલ ફરી આંગડીયા ફર્મમાં ગયા. ત્યાં ફર્મ બંધ હતી અને દિનેશનો સંપર્ક પણ થઈ શક્યો નહીં. આ દરમિયાન, સિસારા પણ સ્થળ છોડી નાસી ગયો.
પોલીસની કાર્યવાહી
મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, IPC કલમ 408, 420, 120(B), 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપી હરીશ સિસારાને કામરેજ ચાર રસ્તા નજીકથી પકડી પાડવામાં આવ્યો. હરેશ ઉર્ફે હરીશ છગનભાઇ સિસારા (ઉમર 32), વાવ ગામ, કામરેજમાં હરેશ કૃષ્ણા ટાઉનશીપમાં રહે છે.આ કેસમાં અન્ય સહઆરોપી અભય પાટીલ અને દિનેશ પટેલને પકડવા માટે પોલીસ તપાસ ચાલુ છે. આર્થિક ગુનામાં સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને રકમની પતાવટ કરવા માટે પગલાં લેવાશે.








