BOTAD : ગઢડામાં બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, એક પુરુષનું ઘટનાસ્થળે મોત
Botad News : બોટાદના ગઢડા (સ્વામીના) ખાતે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક પુરુષનું

Botad News : બોટાદના ગઢડા (સ્વામીના) ખાતે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક પુરુષનું ઘટનાસ્થળે મોત થયું હતું, અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરથી ઢસા તરફ જતા માર્ગ પર વોટરપાર્ક પાસે અકસ્માત સર્જાતા એક પુરુષનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. વધુ મળતી વિગત મુજબ ગઢડાથી ઢસા તરફ જતા સ્ટેટ હાઇવે પર બપોરના સુમારે પેટ્રોલપંપ અને વોટરપાર્ક પાસે વળાંકમાં બે બાઈક ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાઈક ચલાવનાર બંને વ્યક્તિને ગંભીર ઈજા થવા પામી હતી.
ઢસા ગામના રહેવાસી દીપાભાઇ કાળાભાઈ ઉંમર વર્ષ 45ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની ઘટના સંદર્ભે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતા તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી, સ્થિતિને કાબુમાં લીધી હતી. સમગ્ર અકસ્માતની ઘટનાને લઇ પોલીસ તપાસ હાથ ધરી છે.






