અમદાવાદ: વસ્ત્રાલ હિંસાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર, અત્યાર સુધી 16 લોકોની ધરપકડ
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં 14 માર્ચે અસામાજિક તત્ત્વોએ તલવાર અને

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં 14 માર્ચે અસામાજિક તત્ત્વોએ તલવાર અને ધોકા જેવા હથિયારો વડે આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી. આ 14 આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર પોલીસ પકડથી હજુ દૂર છે.
પોલીસ નાના આરોપીઓને પકડીને સંતોષ માને છે
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુખ્ય આરોપી પંકજ ભાવસારને ઘટનાના 4 દિવસ પછી પણ પોલીસ પકડી શકી નથી. અમદાવાદ પોલીસ નાના આરોપીઓને પકડીને સંતોષ માને છે. રામોલ પોલીસે આ ઘટનાના વધુ બે આરોપીની ગઇકાલે ધરપકડ કરી છે. રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસારની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બન્ને આરોપી પૈકી હેમંત ભાવસાર ગેંગના વોન્ટેડ આરોપી પંકજ ભાવસારનો સંબંધી ભાઇ છે.
ફરાર આરોપી પંકજ ભાવસારે ફોન કરીને હેમંતને ઘટનાસ્થળે બોલાવ્યો હતો. જગ્યા પર આરોપી રવિ તિવારી લાકડી લઇને આવ્યો હતો. આતંક મચાવનાર ગેંગનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ પણ વોન્ટેડ છે. મહત્ત્વપૂર્ણ છે કે પંકજ ભાવસાર અને સંગ્રામસિંઘ શિકરવાર વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલતી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા હોળીના દિવસે પંકજે બધાને ફોન કરીને બોલાવ્યા હતા. સંગ્રામ સાથે ફોનમાં માથાકૂટ થઇ હોવાની વાતચીત પંકજે તેના સાગરીતોને કરી હતી. અત્યાર સુધીમાં આ ઘટનામાં 16 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમની શોધખોળ
પકડાયેલા આરોપી પૈકી 7 આરોપી સામે હજુ સુધી એક પણ ફરિયાદ દાખલ થઇ નથી, 3 આરોપી સામે દારૂ-જુગારની ફરિયાદો તેમજ અન્ય 3 સામે શરીર સંબંધી ગુના નોંધાયા છે. ગેંગનો ફરાર મુખ્ય આરોપી પંકજ ભાવસારને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-5 અને સ્થાનિક પોલીસ ટીમ શોધખોળ કરી રહી છે. ફરાર મુખ્ય આરોપી પંકજ વિરૂદ્ધ 8 ગુના અને બે વખત પાસા થઇ ચુક્યા છે.
આરોપીઓના ઘર પર ફરી વળ્યું બુલડોઝર
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનારા આરોપીઓના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.જોકે, તેને લઇને કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થયા હતા. સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર, આવી કાર્યવાહી પહેલાં 15 દિવસની નોટિસ અને યોગ્ય કાનૂની પ્રક્રિયા જરૂરી છે પરંતુ અહીં ધરપકડ બાદ તાત્કાલિક તોડકામ થયું હતું જેને ગેરકાયદેસર ગણવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે 3 કલાક મીટિંગ કરી હતી. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.રીઢા ગુનેગારો અને અગાઉના ગેન્ગના આરોપીઓની પણ તપાસ શરૂ કરાઇ છે. સોશિયલ મીડિયા પર હથિયારો અને વીડિયો વાયરલ કરનાર ટપોરીઓ પર પણ પોલીસ નજર રાખશે. પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરી લોકોને અસામાજિક તત્ત્વોની માહિતી આપવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા અને ફિલ્મોથી પ્રભાવિત અસામાજિક તત્ત્વો ઉપર પોલીસની નજર છે. ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર ઉભો થાય તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પોલીસને કાયદામાં રહીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચન કર્યું છે.








