Ahmedabad/ 26 ફેબ્રુઆરીએ નીકળશે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા, સરકારનું 10 લાખનું યોગદાન
અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા આગામી 26 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે.
અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા આગામી 26 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. આ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા પૂર્વે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને માતાજીના દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
નગરયાત્રાનું આયોજન અને વિશેષતા
માતાજીની આ નગરયાત્રા પૂર્વે મંગળવારના રોજ માતાજીની પાલખીનું વિશેષ પૂજન કરવામાં આવશે. આ વર્ષની નગરયાત્રા અનેરી છે કારણ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નગરયાત્રાની પહિન્દ વિધિ કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ગુજરાત સરકાર તરફથી આ ભવ્ય નગરયાત્રા માટે 10 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.
યાત્રા પૂર્વે માતાજીની ચલિત પ્રતિમા, પાદુકા અને વરદ હસ્તનું પૂજન કરાયું છે. માતાજીના વરદ હસ્ત પર 'સર્વે ભવન્તુ સુખિનઃ' (દરેકનું કલ્યાણ થાય) તેવો પરમ સંદેશ અંકિત થયેલો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ભદ્રકાળી મંદિરે શીશ ઝુકાવ્યું હતું. તેમણે જગત જનની મા પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શશીકાંત તિવારી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષને માતાજીની મૂર્તિનો 'મોમેન્ટો' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટ્રસ્ટીનું નિવેદન
મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, મા ભદ્રકાળી આખા વિશ્વ પર આશીર્વાદ વરસાવે છે. માતાજીના વરદ હસ્ત પર લખાયેલું વાક્ય જ દર્શાવે છે કે સનાતન સંસ્કૃતિ હંમેશા સૌના ભલાની વાત કરે છે. ૨૬ તારીખે નીકળનારી યાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.







