અમરેલીમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ, ધોરાજીમાં પણ યુવકે કર્યો આપઘાત
અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુગલે ગળેફાંસો ખાઈને આત્મહ્ત્યા કરી હોવાનું સામે

અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુગલે ગળેફાંસો ખાઈને આત્મહ્ત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના બગસરામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ દુનિયાને અલવિદા કહ્યું છે. ડાંગયાપીરની દરગાહ તરફ જવાના રસ્તા પરના મકાનમાં સજોડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : મહેસાણા: ખેતરમાં પત્નીની હત્યા કરી પતિએ ઝાડ પર લટકી જીવન ટુંકાવ્યું
દુનિયાની રસ્મો રિવાજને બન્ને પ્રેમીપંખીએ અલવિદા આપી મોત સ્વીકાર્યું હતું. જો કે યુગલના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આપઘાતને બે દિવસ આસપાસનો સમય થતા કોહવાયેલ હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા છે. આપઘાતમાં 21 વર્ષીય યુવતી નિરલ વાઘેલા અને 25 વર્ષીય યુવક કિસન ચારોળિયા મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ધોરાજીમાં એક યુવકે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું
ધોરાજીમાંથી પણ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ધોરાજીમાં વણકર વાસમાં રહેતા યુવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વણકર વાસમાં રહેતા ગજેન્દ્ર ભાસ્કર નામના યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.






