છેવાડાના માનવીના વિકાસની વાત કરતી સરકાર જુઓ, ગુજરાતમાં અહીં 8 વર્ષથી કાચા ઝૂંપડામાં ચાલે છે આંગણવાડી
સંવેદનશિલ અને મૃદુના નામે ઓળખાતી સરકાર છેવાડાના માનવીના વિકાસની વાતો સતત કર્યા ક

સંવેદનશિલ અને મૃદુના નામે ઓળખાતી સરકાર છેવાડાના માનવીના વિકાસની વાતો સતત કર્યા કરે છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના દુગ્ધા ગામે આંગણવાડી એક અને આંગણવાડી બે આમ સરકારી ચોપડે બે આંગણવાડી ચાલે છે. પરંતુ છેલ્લા આઠ વર્ષથી આંગણવાડીના મકાનો જર્જરિત થતા આંગણવાડીના કર્મચારીઓ કાચા ઝૂંપડામાં આંગણવાડી ચલાવવા મજબૂર છે.
કોઈ જ સુવિધા નહી
બે આંગણવાડીમાં ટોટલ 58 જેટલા બાળકો રજીસ્ટર ઉપર છે. જયારે ઝુંપડામાં લાઈટ નથી. શૌચાલય નથી. આંગણવાડીના રસ્તા ઉપર ઢાળ છે. આવી પરિસ્થિતિમાં બાળકો આંગણવાડીમાં તો આવે છે. પરંતુ, બાળકોને અસહ્ય ગરમી લાગે છે. રમતના પૂરતા સાધનો નથી. જેનાથી બાળકો ઓછા આવે છે. જયારે આદિવાસી વિસ્તારમાં પાયાનું શિક્ષણ તરીકે આંગણવાડી હોય છે. પરંતુ, સરકાર આંગણવાડીના મકાનો બનાવવામાં રસ ન રાખતા જેનો ભોગ નાના ભૂલકાઓ બની રહ્યા છે.
કોઈ મુલાકાત પણ લેતું નથી
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકોની રજુઆત નેતાઓ અને અધિકારીઓ સાંભળતા નથી. જેના લીધે સામાન્ય આંગણવાડીના મકાનો વર્ષોથી બનતા નથી. વિકાસના ગુણગાન ગાતા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો આ વિસ્તારની મુલાકાત લેતા નથી. આ ગામો તાલુકાના છેવાડાના ગામો છે. આ ગામોની મુલાકાત નેતાઓએ લેવી જોઈએ અને ગરીબ આદિવાસી સમાજના ભૂલકાઓ માટે આંગણવાડીના મકાનો બનાવી આપવા જોઈએ તેવી માગ ઉઠી છે.








