લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં આજે સાંજથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે, 7 મેએ મતદાન
લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે રવિવારે સાંજે છ વા

લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે રવિવારે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પુરજોશમાં ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે. શનિવારે પ્રિયંકા ગાંધીથી માંડી અમિત શાહ સહિતના નેતાઓએ જાહેર સભા સંબોધી પ્રચાર કર્યો હતો. એટલુ જ નહીં, કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જોકે, છેલ્લાં કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય એ પડકાર સમાન છે. આ જોતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી કેવી રીતે લઇ જવા એ મુદ્દે ભાજપ-કોંગ્રેસની ચિંતા વધી છે.
ગુજરાતમાં 25 બેઠક પર મતદાન કરાશે
સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપે બિનહરીફ જીત હાંસલ કરી હતી. આ જોતાં 7 મેએ ગુજરાતમાં 25 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે જેના માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણી પંચે આદેશ પ્રમાણે મતદાનના 48 કલાક પૂર્વે પ્રચાર-પ્રસાર બંધ થઇ જશે. તે જોતાં રવિવારે સાંજે 6 વાગ્યે એકાદ મહિનાથી ધમધમતાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે.
આ વખતે ક્ષત્રિય આંદોલનને લઇને સમગ્ર તંત્ર પણ સજાગ છે. હાલ રાજકોટ હોટ સ્પોટ છે ત્યારે સંવેદનશીલ મતદાન કેન્દ્રો પણ વધારી દેવાયા છે. કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે રાજકોટ સહિત ક્ષત્રિય મતદારો પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવા આયોજન કરાયુ છે.
રવિવારે ચૂંટણી પ્રચારનો આખરી દિવસ છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રોડ શોનું આયોજન કર્યું છે. રોડ શોના માધ્યમથી મતદારોનો સીધો સંપર્ક કરવા આયોજન કરાયુ છે. સોમવારે ડોર ટુ ડોર મતદારો સાથે સંપર્ક કરાશે. આમ ત્રીજા તબક્કામાં ગુજરાતની બધી બેઠકોમાં મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થયું છે.








