લોકસભા ચૂંટણી-2024: પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી પત્રક, ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમણે ક્ષત્રિય અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે રૂપાલાએ બે વખત માફી માગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. આ દરમિયાન આજે રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
આ પહેલા રૂપાલાએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે ‘આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’






