સુરતની રેસ્ટોરાંમાં જમીને લિફ્ટનો ઉપયોગ કરતાં ફસાયા, 10ની કેપેસિટીના બદલે 16 ઉભા રહી જતાં 25 મિનિટ અટવાયા
સુરતના લોકો સ્વાદ શોખિન છે. ત્યારે રવિવારે અડાજણમાં સ્ટાર બજારની સામે આવેલા

સુરતના લોકો સ્વાદ શોખિન છે. ત્યારે રવિવારે અડાજણમાં સ્ટાર બજારની સામે આવેલા લેવલ-5 રેસ્ટોરાંમાં જમીને મોડીરાતે લિફટમાં બાળકો સહિત 16 જણા ફસાયા હતા. ફાયરે પહેલા માળે ફસાયેલી લિફ્ટને ગ્રાઉન્ડ ફલોર પર લાવી લોક ખોલીને તમામને બહાર કાઢયા હતા. 3-4 ફેમિલી નાના બાળકો સાથે જમીને નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ પહેલા માળે ફસાઈ હતી.લિફટમાં 6 બાળકો અને 5 મહિલા સહિત કુલ 16 જણા હતા.
ફાયરબ્રિગેડ દોડી ગયું
ફાયર ઓફિસર સંપત સુધારે કહ્યું કે, હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે. અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી. અમારી ટીમ એ તાત્કાલિક પહેલા માટે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા.
મહિલાઓ અને બાળકો ગભરાયા
મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા-પિતા સ્વભાવિક રીતે ડરી ગયા હતા. જો કે, અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા. રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી.








