સુરત એરપોર્ટના રનવેના વિસ્તરણની ફરી ઉઠી માગ, ગેસ પાઈપલાઈનના અવરોધને લઈને કેન્દ્રીય મંત્રીને લખાયો પત્ર
સુરત એરપોર્ટના રનવેના વિસ્તરણને લઈને ફરીથી એકવાર માગ ઉઠી છે. એરપોર્ટના રનવે

સુરત એરપોર્ટના રનવેના વિસ્તરણને લઈને ફરીથી એકવાર માગ ઉઠી છે. એરપોર્ટના રનવે આડે આવતી ગેસ લાઈનના અવરોધને લઈને કેન્દ્રીય મંત્રીને પત્ર લખાયો છે. ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’એ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રીને ઇ-મેલ થકી પત્ર મોકલી ઘણી રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને રન-વે વિસ્તરણ માટે ઉલ્લેખ કરાયો છે.
અવરોધ દૂર કરવા પત્ર
સંસ્થા દ્વારા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી કહેવાયું છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેના વિસ્તરણ મહત્વપૂર્ણ જાહેર હિતનો પ્રોજેક્ટ છે. જેમ તમે જાણો છો તેમ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના રન-વેની 2905 મીટર લંબાઈ ધરાવતું એરપોર્ટ છે. પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ (દરિયા તરફ) તરફ આગળ વધારી શકાતું નથી. ONGC અને GSPCની માલિકીની ગેસ પાઈપલાઈન હોવાને કારણે ડુમ્મસ બાજુનું વિસ્તરણ અવરોધાયું છે.
શરતો હળવી કરવા માગ
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન પ્રકાશિત કર્યું છે જે આ લાઈનની નજીકની કોઈપણ પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે. જેમાં તેમના સ્થળાંતરણનો સમાવેશ થાય છે. જો કે, સુરતના ઝડપી વિકાસ અને તેના આર્થિક મહત્વના હિતમાં અમે માનીએ છીએ કે, આ મુદ્દા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સલામતી સર્વોપરી હોવા છતાં, અમારું માનવું છે કે, ગેસ પાઈપલાઈનનું રક્ષણ કરતી વખતે રન-વેના વિસ્તરણને મંજૂરી આપવા માટે તકનીકી ઉકેલો વિકસાવી શકાય છે. અમે દરખાસ્ત કરીએ છીએ કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ગેસ લાઇન્સ પર રક્ષણાત્મક હેવી ડ્યૂટી કલ્વર્ટના બાંધકામને મંજૂરી આપવા માટે વર્તમાન ગેઝેટ નોટિફિકેશનમાં સુધારાને ધ્યાનમાં લે અથવા અન્ય કોઈપણ ઉચ્ચ તકનીકી સોલ્યુશન જે મંત્રાલયને સૌથી સલામત લાગે, કડક સલામતી શરતો હેઠળ, રન-વેને સક્ષમ બનાવે. જેથી આગળ વધવા માટે વિસ્તરણ શક્ય બને.








