મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયારનો કર્યો શિકાર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રાખેલા પ્ર

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયારનો કર્યો શિકાર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રાખેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘુસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની એક ઘટના બની હતી.

આ પણ વાંચોઃ સુરતના ડુમસમાં સાયલન્ટ ઝોનની 2500 કરોડની જમીનનું કૌભાંડ, બનાવી દેવાયા 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ

એનિમલ કિપરોમાં નાસભાગ મચી

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર હરણ જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચઢ્યો હતો.એણે એક પછી એક 8 જેટલાં કાળિયાર હરણોનો શિકાર કરતા તમામના મૃત્યુ નિપજયા હતા.દીપડો ઘુસી ગયો હતો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસ ભાગ મચી હતી, તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે નજીકના ગેજમાં સંતાઈ ગયા હતા.જો કે એનિમલ કીપરોએ બુમા બુમ કરી મુકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો.હવે એ દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ હજુ જાણવા મળ્યું નથી.

PM બાદ અગ્નિદાહ અપાયો

આ બાબતે કેવડીયામાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી ડી.એફ.ઓ અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે કેવડીયાની આસપાસના સેંચ્યુરી વિસ્તારમાંથી જંગલ સફારી પાર્કમાં દીપડો આવી ગયો હતો અને 8 કાળિયાર હરણો પર હુમલો કરતા એમનું મૃત્યુ નિપજ્યું હતું.સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો.આખો વિસ્તાર સી.સી.ટી.વી થી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે.આ ઘટનાનો અમે વાઇલ્ડ લાઈફ પી.સી.સી.એફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે.

દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ??

આ ઘટના બાદ જંગલ સફારી પાર્કનું સંચાલન કરી રહેલી એક ખાનગી કંપનીએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી.જે બાદ તુરંત એ ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને મૃત્યુ પામેલા કાળિયાર હરણો પર દીપડાએ કેવી રીતે હુમલો કર્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી.દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ છે.સફારી પાર્કમાં 400 થી વધુ સી.સી.ટી.વી કેમેરા લગાવેલા છે.

પ્રવાસીઓના જીવ જોખમમાં??

જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલ માંથી દીપડો ઘુસી જતો હોય તો આ જોતાં સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતાં કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય.આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

આ સમાચાર શેર કરો