ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને મામલે નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ
રાજકોટ જિલ્લામાં ગોંડલ પાટીદાર સમાજના સગીરને માર મારવાને મામલે ગોંડલના પોલીસ અધિક્ષકનુ નિવેદન

રાજકોટ જિલ્લામાં ગોંડલ પાટીદાર સમાજના સગીરને માર મારવાને મામલે ગોંડલના પોલીસ અધિક્ષકનુ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ગોડલમાં સામે સામે પક્ષે ગુના નોંધાયા છે. પોલીસ સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી કરી રહી છે.
તો આ મામલે ઇજાગ્રસ્ત પટેલ યુવાનને ધારાસભ્ય જયેશ રાદડિયા મળવા પહોંચ્યા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા પણ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પટેલ સમાજ દ્વારા આવતીકાલ ગોંડલ બંધનું એલાન અપાયું છે. માર મારનારને સખ્ત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
ગોંડલ શહેરના ભગવતીપરામાં કૉલેજ ચોક ગ્રાઉન્ડ પાસે નજીવા મુદ્દે માથાકૂટ થતા જાહેરમાં ત્રણ લોકોએ ધોકાથી એક 17 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ઈજાઓ થઈ હતી. માર ખાઈ રહેલા દીકરાને છોડાવવા વચ્ચે પડેલા માતા-પિતાને પણ આ શખ્સોએ માર માર્યો હતો. નજીવા મુદ્દે માથાકૂટને લીધે જાહેરમાં મારામારીના વીડિયો પણ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જે બાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની ફરિયાદ પરથી મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો.






