ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અંતિમ સમયે ભાજપમાં ભડકો તો કોંગ્રેસમાં નારાજગી, જાણો શુું છે મામલો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ આજે અંતિમ દિવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ આજે અંતિમ દિવસે લગભગ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ સ્થાનિક કચેરીમાં ફોર્મ ભરીને ઉમળકાભેર તેમની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સમર્થકો સાથે કચેરીએ પહોંચ્યા હતા. એવામાં ક્યાંક નેતાઓને ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ નારાજ જોવા મળ્યા હતા જેથી તેમણે પાર્ટી બદલી તો ક્યાંક રાજકીય પક્ષમાં આખરી સમયે ભડકો જોવા મળ્યો હતો.
પાટણમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં પડ્યું ગાબડું
પાટણ જિલ્લામાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં ભાજપે ગાબડું પાડ્યું છે. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક ગણેશ ભાઈ ઠાકોર, કલી બેન ઠાકોરે કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ભગવો પહેર્યો છે. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ રાધનપુર ભાજપના નેતાઓ હસ્તક કોંગ્રેસના પૂર્વ નગરસેવકોએ ભગવો પહેર્યો છે. કોંગ્રેસે કોઈ વિકાસના કામો કર્યા નથી હવે અમે ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડીશું અને તમામ વોર્ડમાં ભાજપને વિજય અપાવીશું. પૂર્વ નગરસેવક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાધનપુર નગર પાલિકા બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ઉત્સાહ, અંતિમ દિવસે ઉમેદવારોએ સમર્થકો સાથે ભર્યા ફોર્મ
તાપીમાં ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો
તાપી જિલ્લામાં સોનગઢ નગર પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહિ મળતાં નેતાએ રાજીનામું આપ્યું છે. સોનગઢ નગર ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો જોવા મળ્યો છે. અનિતાબેન અભયભાઈ પાટીલ દ્વારા જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે.
જૂનાગઢમાં મનપા ચૂંટણી અંગે ભાજપ કોંગ્રેસના જીતના દાવા
જૂનાગઢ જિલ્લામાં મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા. ફોર્મ ભર્યા બાદ બંને પક્ષના ઉમેદવારોએ વિકાસને વેગ આપવાની વાતો કરી હતી. ભાજપના ઉમેદવારો ફોર્મ ભરે એ પહેલા કાળવા ચોક ખાતે વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી.
જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલા "આપ"માંથી મેદાને ઉતરશે
જુનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટર રજાક હાલાએ "આપ"માંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાં ટિકિટ માટે વિખવાદ થયો હતો. પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા રજાક હાલાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા હતા કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટ આપે છે એ સાચી વાત છે. જીતેલા કોર્પોરેટર અને પાર્ટીનું નિષ્ઠાથી કામ કરનારને ટિકિટ આપી નથી. રજાક હાલાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી બહુમતીથી ચૂંટાશે અને કોંગ્રેસને એક પણ વોર્ડમાં લીડ નહિ મળે.
નવસારીના ભાજપ નેતા કોંગ્રેસ તેમજ અપક્ષની શરણે
નવસારીમાં બીલીમોરા નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં દુઃખી ભાજપાઈઓ અપક્ષ અથવા કોંગ્રેસના શરણે થયા છે. ભાજપમાંથી ટિકીટ ન મળતા નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બીલીમોરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે પણ નારાજગીને કારણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. વર્ષ 2013થી 2015 દરમિયાન બીલીમોરા પાલિકાના પ્રમુખ રહેલા સંધ્યાબેન પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી છેડો ફાડી સંધ્યા પટેલે વોર્ડ નં. 7માંથી કોંગ્રેસના મેંડેટ પર ઉમેદવારી પત્ર ભર્યુ છે. ભાજપમાંથી ટિકીટ ન મળતા અન્ય નારાજ કાર્યકરોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
અમરેલીમાં લાઠી નગરપાલિકા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો છે. અમરેલીમાં લાઠી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે. લાઠી નગરપાલિકાના ભાજપના ઉમેદવારો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પણ ઉત્સાહ સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના પ્રભારી પ્રવિણભાઇ રોઠોડ પણ ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહ્યા હતા.
લાઠી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 64 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ – 24, કોગ્રેસ – 24, આપ – 14, અને 2 અપક્ષો ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. 3 તારીખે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 4 તારીખ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ રહેશે. આમ લાઠી નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરેખરનો ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
મહીસાગરમાં પણ જામશે ત્રિપાંખિયો જંગ
મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, અને બાલાસિનોર નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો ઢોલ નગારા સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોર પણ ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજી હતી. ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે લુણાવાડા પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેકટરને ફોર્મ સુપ્રત કર્યા. નગર પાલિકા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.
વીરપુરના જોધપુર અને ખાનપુરના કનોડ તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીના પણ ફોર્મ ભરાયા હતા. નગરના પડતર પ્રશ્નો અને વિકાસની બાકી કામગીરીના મુદ્દાને લઇ તમામ પક્ષો ચૂંટણી મેદાને ઉતર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સંતરામપુર નગર પાલિકાના ભાજપના ઉમેદવારોને સમર્થન આપી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ઉમેદવારોએ જીત સાથે બાકી વિકાસના કામોનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડોદરામાં કોંગ્રેસ ભાજપ આમને સામને
વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણીઓ થવાની છે. જેમાં તાલુકાની ત્રણ બેઠકો માટે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા. જીતની આશા સાથે બન્ને પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જૂની કલેકટર કચેરીમાં નેતાઓ સાથે ફોર્મ ભર્યા જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્ય હતો. આગાઉ કોયલીની બેઠક કોંગ્રેસ પાસે હતી જ્યારે દશરથ અને નંદેસરીની બેઠકો ભાજપ પાસે હતી.
સુરેન્દ્રનગરમાં જામશે ત્રિપાંખિયો જંગ, અપક્ષ સહિત 80થી વધુએ ઉમેદવારી નોંધાવી
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર નોંધાવાનો સમય પૂર્ણ થયો જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. થાનના 7 વોર્ડમાં ચૂંટણી યોજવામાં આવશે જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને 80થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. થાન નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટ્યું હતું. તેમજ તમામ પાર્ટીઓના નેતાઓએ ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 4 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે જેમાં અપક્ષ ઉમેદવારો પરત ફોર્મ ખેંચે તેવા પ્રયાણ હાથ ધરવામાં આવ્યા છે.








