ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ઉત્સાહ, અંતિમ દિવસે ઉમેદવારોએ સમર્થકો સાથે ભર્યા ફોર્મ
હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉત્સાહ મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની ચૂંટણીમ

હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉત્સાહ
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાતા ભાજપ અને કોંગ્રેસ નેતા તથા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીએ ઉમેદવારે ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ નેતાઓએ રેલી યોજી ઉમેદવારીપત્રો નોંધાવ્યા હતા. હળવદ નગરપાલિકાના સાત વોર્ડમાં ચૂંટણી યોજાશે જેમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
હળવદ નગરપાલિકામાં ચાર પાખીયોજંગ સર્જાશે જેમાં નગરપાલિકાની ચુંટણીમાં આપ, બસપા, કોંગ્રેસ, અને ભાજપ વચ્ચે જંગ જામશે. જેમાં કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમવાર બહુજન સમાજ પાર્ટી તેમજ આપ પાર્ટીએ ઝંપલાવ્યું છે. બન્ને પાર્ટી પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા.
બોટાદમાં જામશે ત્રિપાંખીયો જંગ
બોટાદમાં નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી માટે ફોર્મ ભરવા ઉમેદવારો તાલુકા સેવા સદન ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે બોટાદ પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેકટરને ફોર્મ સુપ્રત કર્યા. નગરપાલિકાના ત્રિપાંખીયા જંગમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. તુરખા અને પાળીયાદ તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીના પણ ફોર્મ ભરાયા. પડતર પ્રશ્નો અને વિકાસની કામગીરીના મુદ્દાને લઇ તમામ પક્ષો ચૂંટણી મેદાને ઉતર્યા છે. તેમજ તમામ પક્ષો અને ઉમેદવારોએ જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલમાં ભાજપ અને આપ આમને સામને
પંચમહાલ જિલ્લામાં શહેરાના મંગલીયાણામાં તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. મંગલીયાણા તાલુકા પંચાયત બેઠકની પેટા ચુટણીને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ બેઠક માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે જેમાં ભાજપ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ભર્યા છે. ભાજપમાંથી દેવેન્દ્ર કુમાર, વિજય સિંહ પગી મેન્ડેટના નામનો મેન્ડેટ આવતા ઉમેદવારી નોંધાવી હતી. પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આપ પાર્ટીના ઉમેદવાર પત્ર ભર્યા હતા.
પોરબંદરમાં કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં પ્રવેશ
પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી છે. કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં કુલ 6 વોર્ડમાં 12 મહિલા અને 12 પુરૂષોએ આજે ઉમેદવારી નોંધાવી છે. કુતિયાણા સીટી નગરપાલિકા વિસ્તારનો વિકાસ કરવાની નેમ સાથે કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કુતિયાણામાં ઘટતી વસ્તી અને શહેરના વિકાસને ધ્યાને રાખી ચૂંટણી કાના જાડેજા મેદાનમાં ઉતર્યા છે.
સાવરકુંડલામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વોર્ડ નંબર ત્રણમાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ સાવજે મામલતદાર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું. ગઈકાલે કૉંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. વોર્ડ નંબર ત્રણના ભાજપના સદસ્ય જયસુખ નાકરાણીના અવસાન બાદ વોર્ડ ત્રણની ખાલી પડેલ સીટની ચુંટણી યોજાશે. ધારાસભ્ય મહેશ કસવાલા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો ઉમેદવારી પત્ર રજૂ કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ પ્રભારીનો તમામ 28 બેઠક પર જીતનો વિશ્વાસ
અમરેલી જિલ્લામાં નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયાનો ધમધમાટ જોવા મળ્યો. રાજુલા શહેરમાં ભાજપ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પોંહચ્યા હતા. રાજુલા નગરપાલિકા પ્રભારી ચેતન શિયાળએ તમામ 28 બેઠક ઉપર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ખેડામાં નગરજનોએ ચૂંટણી અંગે આપી પ્રતિક્રિયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના બ્યુગલ ફૂકાઈ ચૂક્યા છે. ત્યારે હાલ ખેડા જિલ્લાની નગર પાલિકા ડાકોર, મહુધા, ખેડા, ચકલાસી, અને મહેમદાવાદ જેવા શહેરોમાં ભાજપ તેના મેન્ડેડ પર અને વિપક્ષો તથા અપક્ષો આજે ફોર્મ ભરવા પોતાના દાવ પેચના શ્રી ગણેશ કરી દીધા છે.
ખેડા જીલ્લાની મહુધા નગરપાલિકાની ચુંટણી અંગે નગરજનોએ ઉમેદવારની પસંદગી વિશે જણાવ્યું કે, મહુધા નગરપાલિકાની છેલ્લી ટર્મમાં અઢી વર્ષ ભાજપ અને ત્યાર બાદ અઢી વર્ષ કોંગ્રેસનું શાસન હતું. નગરપાલિકાના 6 વોર્ડ છે જેમાં 8157 પુરૂષ અને 8149 સ્ત્રી મળી કુલ 16347 મતદારો છે. જેઓ આ ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નગરજનો શહેરનો વિકાસ તો ઈચ્છી જ રહ્યા છે. પરંતુ સાથે જ સમસ્યાઓનો કાયમી નિકાલ આવે અને સ્વચ્છતા,રોડ,રસ્તા અને પાણીની સુવિધાઓ યોગ્ય રીતે અને નિયમિત મળે તેમ ઈચ્છી રહ્યા છે.
તાપીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ નગર પાલિકાની ચૂંટણી જાહેર થતાં અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેને પગલે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં પાર્ટીના ઉમેદવારો સહિત તેમના સમર્થકો પણ જોડાયા હતા.
જેતપુરમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, કુલ 123 ફોર્મ ભરાયા
જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાં 44 સભ્યોએ ભાજપમાંથી ફોર્મ ભર્યા છે. મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષોમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુકોએ ફોર્મ ભર્યા હતા જેમાં અંતિમ દિવસ સુધી કુલ 123 ફોર્મ ભરાયા હતા. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવા આવતા મામલતદાર ખાતે માનવ મહેરામણ જોવા મળ્યું હતું.
સોમનાથમાં ધારાસભ્યએ પત્નીને પાલિકા ચુંટણીમાં ઉતાર્યા
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ની જલ્પાબેન ચુડાસમા સાથે પાલિકાની ઉમેદવારી નોંધાવી હતી. હજારોની જનમેદની અને ડીજેના તાલ સાથે ચુડાસમાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ હતું. ચોરવાડ નગરપાલીકામાં વર્ષોથી કોગ્રેસ અને વિમલ ચુડાસમાનો દબદબો છે.








