ગંભીરા બ્રિજની કામગીરીમાં ઈજાગ્રસ્ત કામદારને Ahmedabad હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા/અમદાવાદ: વડોદરા માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણાધીન ગંભીરા બ્રિજ પર કામગીરી

વડોદરા/અમદાવાદ: વડોદરા માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણાધીન ગંભીરા બ્રિજ પર કામગીરી દરમિયાન એક મજૂર લપસી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરી સુરક્ષાના માપદંડો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના?
ગંભીરા બ્રિજ પર હાલ પુલ નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં અંદાજે 300 થી 350 જેટલા મજૂરો કાર્યરત છે. પિયર (બ્રિજના થાંભલા) પર કામગીરી કરતી વખતે એક મજૂર સેફ્ટી સાધનો સાથે સજ્જ હતો, પરંતુ સેફ્ટી બેલ્ટનો હૂક યોગ્ય સ્થાને ન લગાવ્યો હોવાથી અચાનક લપસી ગયો હતો અને નીચે પટકાયો હતો.
આ અકસ્માત સમયે સ્થળ પર હાજર ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ અને જીગરભાઈએ તત્કાલ કામગીરી અટકાવી મજૂરને સારવાર અર્થે ખસેડ્યો હતો.
મજૂરની તબિયત અને સારવાર
આ દુર્ઘટનામાં મજૂરને કમર અને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં મજૂરની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઇજારદાર દ્વારા એક વ્યક્તિને હોસ્પિટલમાં મજૂરની દેખરેખ માટે પણ રાખવામાં આવ્યો છે.
વીમા કવચને કારણે આર્થિક રાહત
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિયમ અનુસાર ઇજારદાર દ્વારા તમામ મજૂરોનો વીમો લેવામાં આવ્યો છે. મજૂરનું બજાજ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ વીમા કવચ હોવાથી સારવારનો તમામ ખર્ચ વીમા કંપની દ્વારા આવરી લેવાયો છે. આર્થિક સહાયને કારણે મજૂરના પરિવાર પર હોસ્પિટલના ખર્ચનો કોઈ વધારાનો નાણાકીય બોજ પડ્યો નથી.
સેફ્ટી પ્રોટોકોલનું પાલન
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે બ્રિજની કામગીરી સંપૂર્ણ સુરક્ષા સાથે કરવામાં આવે છે. મજૂરોને જરૂરી તમામ સેફ્ટી ગિયર્સ (હેલ્મેટ, બેલ્ટ વગેરે) પૂરા પાડવામાં આવ્યા છે. આ ઘટના માનવીય ભૂલ (હૂક યોગ્ય રીતે ન ભરાવવા) ને કારણે બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે.








