નખત્રાણાના દેશલપર (ગુંતલી) ગામે મહિલા તલાટી બે હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા

કરછ: નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામે ACBની કાર્યવાહી સામે આવી છે. જેમાં એક મહિલા તલાટી બે હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા છે.
કરછ નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામે ફરજ બજાવતી મહિલા તલાટી બે હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા છે જેને લઈને જિલ્લાના તલાટીઓ સહિત મહેસુલી આલમમાં ચકચાર મચી ગયો છે. તલાટી ચંદ્રિકાબેન ગરોડાએ અરજદાર પાસેથી બે હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીએ મહિલા તલાટીના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધર્યું હતું.
ગ્રામ પંચાયતની હદમાં આવતી સરકારી પડતર જમીન પર હોટેલ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવા હેતુ જમીન ફાળવવા એક વ્યક્તિએ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે સંદર્ભે આ જમીન ગૌચર હેતુની ના હોવાનો ગ્રામ પંચાયતનો દાખલો કાઢી આપવા પેટે તલાટી ચંદ્રિકાબેન ગરોડાએ બે હજાર રૂપિયા માંગ્યા હતાં. સમગ્ર મામાલે ACBએ લાંચિયા તલાટી ચંદ્રિકાબેન ગરોડાની ધરપકડ કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

