રાપરના ફતેહગઢમાં ફાયરિંગની ઘટના, ઘેટાં સાથે સૂતેલા માલધારી પર બે અજાણ્યા શખ્સોનો હુમલો

કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ ગામે મધરાતના સમયે માલધારી પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માલધારી પોતાના ઘેટાં ચરાવવા માટે ગયો હતો અને રસ્તા નજીક પોતાના માલઢોર સાથે રાત્રિના સમયે સૂતો હતો. દરમિયાન મધરાતે આશરે અઢી વાગ્યાના સમયે બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.
માલધારી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ
ચોર જેવા દેખાતા બંને શખ્સો પૈકી એક શખ્સે માલધારી પર ફાયરિંગ કર્યું હતું. અચાનક થયેલા ફાયરિંગના કારણે માલધારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત માલધારીને તાત્કાલિક સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફાયરિંગની ઘટનાની જાણ થતાં રાપર પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ફાયરિંગ કરનાર બંને અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા તેમજ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે.

