મુખ્ય સામગ્રી પર જાઓ

પત્નીને કહ્યું ‘વ્રત ના રાખતી’ અને પ્રેમિકાનું વ્રત ખોલાવવા પહોંચ્યો! બાવળામાં કરવા ચોથે પતિનો ભાંડો ફૂટ્યો

પત્નીને કહ્યું ‘વ્રત ના રાખતી’ અને પ્રેમિકાનું વ્રત ખોલાવવા પહોંચ્યો! બાવળામાં કરવા ચોથે પતિનો ભાંડો ફૂટ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના એક ગામમાં કરવા ચોથના પવિત્ર તહેવારના દિવસે જ પતિની બેવફાઈનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. દસ-દસ વર્ષથી પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા પતિએ કરવા ચોથના દિવસે પત્નીને વ્રત રાખવાની ના પાડીને પ્રેમિકાનું વ્રત તોડાવવા પહોંચતા પત્ની અને પરિવારે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. અંતે મામલો ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો હતો.

​પતિ દસ વર્ષથી લગાતાર પત્નીને કરતો હતો હેરાન

​મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના લગ્ન બાદ તેમને બે બાળકો છે. જોકે, તેમના પતિને છેલ્લા દસ વર્ષથી અન્ય એક મહિલા સાથે લગ્નબહારના અનૈતિક સંબંધો હતા. આ બાબતે પત્ની પતિને વારંવાર સમજાવીને ઘરે પરત લાવતી હતી, પરંતુ પતિ કોઈને કોઈ બહાનું બનાવીને સતત પ્રેમિકાને મળવા જતો રહ્યો હતો. બે બાળકો હોવા છતાં પતિ આ અનૈતિક સંબંધમાંથી બહાર આવવા તૈયાર નહોતો.

​નોકરીનું બહાનું કાઢી પ્રેમિકાના ઘરે વ્રત તોડાવવા પહોંચ્યો

​કરવા ચોથના પવિત્ર દિવસે પતિએ પોતાની સગી પત્નીને ઉપવાસ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ સાંજે "નોકરી પર જાઉં છું" તેવું બહાનું બતાવીને તે સીધો પોતાની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તે પ્રેમિકાનું કરવા ચોથનું વ્રત તોડાવવા માંગતો હતો. જોકે, શંકા જતાં પત્ની અને તેના પરિવારજનોએ પીછો કરી પતિ અને તેની પ્રેમિકાને એકસાથે રંગેહાથ પકડી પાડ્યા હતા.

​​ઘટના અંગે પીડિત મહિલાએ તુરંત ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને મદદ માગી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૮૧ની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પતિ પોતાની સગી પત્ની અને બાળકોને ઘરખર્ચ માટે એક પણ રૂપિયો આપતો નહોતો અને પ્રેમિકાના ઘરનો તમામ ખર્ચ ઉઠાવતો હતો. ​સ્થળ પર પતિએ એવો વિચિત્ર પ્રસ્તાવ મૂક્યો હતો કે તે પત્ની અને પ્રેમિકા બંનેને એકસાથે રાખવા તૈયાર છે. પરંતુ પત્નીએ આ અમાનવીય શરત સ્વીકારવાની ના પાડતા પતિએ પત્ની અને બંને બાળકોને પોતાની સાથે રાખવાની તેમ જ ઘરખર્ચ આપવાની સાફ ના પાડી દીધી હતી.

​૧૮૧ ની ટીમે પતિને કડક શબ્દોમાં કાયદાકીય માહિતી આપતા સમજાવ્યો હતો કે: ​પત્ની અને બાળકો હોવા છતાં લગ્નબાહ્ય સંબંધો રાખવા તે સામાજિક અને નૈતિક રીતે તદ્દન અયોગ્ય છે. ​પરિણીત મહિલા પર શારીરિક કે માનસિક અત્યાચાર ગુજારવો, મારઝૂડ કરવી અને કૌટુંબિક હિંસા આચરવી એ કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. ​સ્થળ પર જઈને ૧૮૧ અભયમની ટીમે બંને પક્ષોને શાંત પાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે પીડિત પત્ની તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો