પતિ-પત્નીના વિવાદનો કરૂણ અંત: અમેરિકામાં ગુજરાતી યુવકે પત્નીને ચાકુના ઘા ઝીંકીનેરી દીધી હત્યા

Chicago Gujarati Man Arrested: અમેરિકાના શિકાગોમાં મૂળ ગુજરાતી યુવક દ્વારા પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, 31 વર્ષના અંકુર પટેલે પોતાની 32 વર્ષની પત્ની પર ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા બાદ આરોપી ભારત ભાગી જવાની તૈયારીમાં શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જોકે, પોલીસે કાર્યવાહી કરીને તેને એરપોર્ટ પરથી જ ઝડપી પાડ્યો હતો.
પાંચ મહિનાથી અલગ રહેતાં હતાં પતિ-પત્ની
મળતી માહિતી અનુસાર, અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો અને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત મે મહિનાથી પત્ની પોતાની દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની પોતાના કાર્યસ્થળના એક પુરુષ સહકર્મચારીને ડેટ કરી રહી હોવાની જાણ અંકુરને થઈ હતી.
આ બાબતને લઈને બંને વચ્ચે તણાવ વધ્યો હતો. અહેવાલ મુજબ, અંકુરે પત્નીને દીકરી સાથે વાત કરવાથી પણ રોકી હતી. તે વારંવાર પત્નીને પાછી આવીને સાથે રહેવા માટે કહેતો હતો, પરંતુ પત્ની પોતાના નવા સાથી સાથે રહેવા માગતી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર વિવાદ થતા હોવાની વિગતો સામે આવી છે.
દીકરીને મળવાના બહાને પત્નીને ઘરે બોલાવી
અહેવાલ અનુસાર, અંકુરે પોતાની દીકરીને માતા-પિતાને મળવા ભારત મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે પત્નીને એવું કહીને ઘરે બોલાવી કે દીકરી તેને મળવા માગે છે. દીકરીને મળવાની ઇચ્છાથી પત્ની ઘરે પહોંચી હતી.
આ દરમિયાન અંકુરે ફરીથી પત્નીને તેની સાથે રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પત્નીએ તેની સાથે પાછા રહેવાની ના પાડતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. આરોપ છે કે આ દરમિયાન ઉશ્કેરાયેલા અંકુરે પત્ની પર ચાકુથી હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ
પત્નીની હત્યા કર્યા બાદ અંકુર એપાર્ટમેન્ટમાંથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ એક પરિચિત વ્યક્તિ ઘરે પહોંચતાં મહિલાનો લોહીલુહાણ મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ભારત ભાગવાની તૈયારીમાં હતો આરોપી, એરપોર્ટ પરથી ઝડપાયો
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અંકુર શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ભારત ભાગી જવાની તૈયારીમાં હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો.
અહેવાલ મુજબ, પૂછપરછ દરમિયાન અંકુરે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેણે પત્ની બીજા સાથી સાથે રહેવા માગતી હોવાને કારણે ગુસ્સે થઈને હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, આ કેસમાં આરોપો, પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી સંબંધિત વિગતો સત્તાવાર માહિતીના આધારે જ અંતિમ રીતે સ્પષ્ટ થશે.







