Junagadh: ભવનાથના મૃગીકુંડનો અદભૂત મહિમા, જાણો મૃગીકુંડની પૌરાણિક કથા અને આધ્યાત્મિક મહત્ત્વ
ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના મેળાનો ઉત્કૃષ્ટ મહિમા છે.

ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના મેળાનો ઉત્કૃષ્ટ મહિમા છે. આ મેળાની પૂર્ણાહુતિ નાગા સાધુઓની રવેડી અને મૃગીકુંડમાં થતા 'શાહી સ્નાન' થી થાય છે. સ્કંદપુરાણ અને અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તેવા આ રહસ્યમય અને પવિત્ર મૃગીકુંડનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે.
પૌરાણિક કથા: મૃગમુખી સ્ત્રી અને રાજા ભોજ
ભગવાન શિવ પાર્વતીજીને મૃગીકુંડનો મહિમા જણાવતા કહે છે કે, પ્રાચીન કાળમાં કાન્યકુબ્જ દેશના રાજા ભોજને વનમાં હરણોના ટોળા વચ્ચે હરણ જેવું મુખ અને સ્ત્રી જેવું શરીર ધરાવતી એક રહસ્યમયી સ્ત્રી જોવા મળી હતી. રાજા તેને રાજધાનીમાં લાવ્યા, પરંતુ તે બોલી શકતી નહોતી. બ્રાહ્મણોની સહાયથી જ્યારે તેને વાણી મળી, ત્યારે તેણે પૂર્વજન્મના પાપોની ગાથા સંભળાવી.
એક ઋષિના આદેશથી તે ગિરનાર પર્વત પર આવી અને આ પવિત્ર સ્થળે સ્નાન કરીને તેને હરણના મુખમાંથી મુક્તિ મળી અને મોક્ષ પ્રાપ્ત થયો. રાજા ભોજે ત્યારબાદ આ કુંડનું નિર્માણ કરાવી તેને 'મૃગીકુંડ' નામ આપ્યું. આજે પણ કુંડની દીવાલ પર હરણમુખી માતાજીની પ્રતિમા આ પુરાતન ઘટનાની સાક્ષી પૂરે છે.
કુંડની વિશેષતા અને સિદ્ધપુરુષોનું આગમન
મૃગીકુંડ માત્ર જળાશય નથી, પણ કરોડો તીર્થોનું સંગમ સ્થાન છે. અહીં ગંગેશ્વર, બિન્દુ અને સ્વર્ણરેખા નદીના પુણ્ય તત્વો સમાયેલા છે. લોકવાયકા મુજબ, એક સમયે આ કુંડમાં પથ્થરો પણ તરતા હતા. સ્કંદપુરાણ મુજબ આવું દિવ્ય તીર્થ ન ભૂતો ન ભવિષ્યતિ.
મહાશિવરાત્રી અને શાહી સ્નાન
મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ જ્યારે નાગા સાધુઓની રવેડી નીકળે છે, ત્યારે હજારો સાધુઓ હર હર મહાદેવના નાદ સાથે મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે. શ્રદ્ધાળુઓની એવી અતૂટ માન્યતા છે કે આ સમયે ખુદ ભગવાન ભોળાનાથ, અશ્વત્થામા જેવા ચિરંજીવીઓ અને અદ્રશ્ય રૂપે સિદ્ધ પુરુષો પણ આ કુંડમાં સ્નાન કરવા પધારે છે. આ કુંડમાં સ્નાન કરી ચૂકેલા સાધુઓ કુંડમાંથી બહાર નીકળે ત્યારે તેમની સંખ્યામાં રહસ્યમય વધ-ઘટ થતી હોવાની કથાઓ પણ પ્રચલિત છે.
આ કુંડની રક્ષા સાક્ષાત શંકર ભગવાન 'કાળ મેઘ' નામના ક્ષેત્રપાળ સ્વરૂપે કરે છે. ભવનાથમાં આવતો પ્રત્યેક શ્રદ્ધાળુ મૃગીકુંડના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને જીવનના પાપોમાંથી મુક્તિની પ્રાર્થના કરે છે.








