યાત્રાધામ વીરપુરમાં બિરાજતા શ્રી માનકેશ્વર મહાદેવ મંદિરનો રોચક ઇતિહાસ જાણો
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે શ્રાવણના સોમવારે ભોળાનાથને ભજ

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે શ્રાવણના સોમવારે ભોળાનાથને ભજવા શિવાલયોમાં ભગવાન શિવની પૂજા,અર્ચના કરવા લાખો ભક્તોની ભીડ ઊમટે છે, ત્યારે આવો જાણીએ યાત્રાધામ વીરપુરમાં બિરાજતા રાજાશાહી વખતના શ્રી માનકેશ્વર મહાદેવનો શિવ મહિમા.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જ્યાં સંત જલારામ બાપાના મંદિર સાથે સાથે અનેક શિવ મંદિરો પણ આવેલા છે જેમાનું એક રાજાશાહી વખતનું ખુબ જ પૌરાણિક શ્રી માનકેશ્વર મહાદેવનું મંદિર છે, પવિત્ર શ્રાવણ માસના પાવન દિવસોમાં વહેલી સવારથી જ શ્રી માનકેશ્વર મહાદેવના દર્શન કરવા શિવભક્તો ઉમટી પડે છે,
યાત્રાધામ વીરપુરમાં બિરાજતા શ્રી માનકેશ્વર મહાદેવ નામ કઈ રીતે પડ્યું ?
એક કથા મુજબ ઇ.સ.1891માં તા.10 વૈશાખ સુદના સોમવારના રોજ પાલીતાણાના મહારાજા માનસીંગ બાપુએ શ્રી માનકેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું. પાલીતાણામાં રાજગાદી માટે ખટપટ ચાલતી હોવાથી પાલીતાણાના રાજકુંવર જ્યારે પાલીતાણા છોડીને વીરપુર આવ્યા ત્યારે તેમણે શ્રી મહાદેવ તેમજ કાળભૈરવદાદાની આરાધના કરી હતી. મહાદેવની આરાધના કરી જે બાદ તેમને પાલીતાણા રાજગાદી માટે રાજતિલક કરવા બોલાવ્યા હતા. મહાદેવની આરાધનાથી રાજગાદી મળતા તેમણે શ્રી માનકેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ કર્યું અને આ પૌરાણિક મંદિર શ્રી માનકેશ્વર મહાદેવ મંદિરનું નામ માનસિંહજી પરથી પડ્યું એવુ માનવામાં આવે છે. આ માનકેશ્વર મહાદેવનું મંદિર આશરે 133 વર્ષ જુનુ હોવાનું માનવામાં આવે છે. પૂજ્ય જલારામ બાપા પણ શ્રી માનકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા હોવાની પણ લોકવાયકાઓ છે જ્યારે જુના સમયમાં ખાખી બાવાઓ, સાધુ સંતો આ માનકેશ્વર મહાદેવ મંદિરમાં રોકાઇને મહાદેવની સેવાપૂજા કરતા હોવાની લોક માન્યતાઓ છે.
યાત્રાધામ વીરપુરના હજારો શ્રદ્ધાળુઓની આસ્થા તેમજ મનોકામનાઓ પૂર્ણ કરતા શ્રી માનકેશ્વર મહાદેવ વીરપુર ગામની વચોવચ બિરાજમાન છે, પવિત્ર શ્રાવણ મહિનામાં અહીંયા શિવભક્તોની ભીડ જામે છે.
માનકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જમણી બાજુએ શ્રી રામ ભક્ત હનુમાનજીની પંચમુખી રુપની મૂર્તિ બિરાજમાન છે તો મંદિરની ડાબી બાજુએ મહાકાલ અવતાર કાળ ભૈરવ દાદા પણ બીરાજમાન છે, તેમજ મંદિરની સામે એક પથ્થર માંથી સર્જન કરેલ વિશાળ નંદિની મૂર્તિ બિરાજમાન છે, મંદૉિરની આજુબાજુ બીલીપત્રના અનેક વૃક્ષો આવેલા છે, શ્રાવણ માસના પાવન દિવસોમાં શ્રી માનકેશ્વર મહાદેવ દાદાની પાર્થી પૂજા કરવામાં આવે છે જેમનું મહત્વ શીવ ભક્તોમાં ખૂબ જ હોય છે, તેમજ સવાર-સાંજ મહા આરતી કરવામાં આવે છે. વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ શ્રી માનકેશ્વર મહાદેવના દર્શન કરીને બીલીપત્રના પાન શિવલિંગ પર ચડાવીને ધન્યતા અનુભવે છે.








