AHMEDABAD : 2022માં મહિલાની હત્યા કરી ફરાર થયેલો હત્યારો ઓરિસ્સાથી ઝડપાયો
Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022માં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022માં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે હત્યાને અંજામ આપનાર આરોપીને ઓરિસ્સા ખાતેથી પકડી પાડ્યો છે.
30 સપ્ટેમ્બર 2022ના રોજ નરોડા GIDCમાં આવેલી અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીની દિવાલ પાસેથી મધુબેન અમરતભાઈ ડામોર નામની 27 વર્ષીય મહિલાની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
આ બાબતે તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પંકજ સાવ નામના 28 વર્ષીય બિહારના યુવકની ઓરિસ્સાના સોનપુરથી ધરપકડ કરી છે.
આરોપીની તપાસ કરતાં સામે આવ્યુ કે મૃતક મધુબેન ડામોર, તેનો પતિ અને આરોપી પંકજ એક જ કંપનીમાં કામ કરતા હતા. તે સમયે આરોપી મહિલાના ઘરે જમવા માટે આવતો હતો જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એક દિવસ મધુબેન ડામોરના પતિ અમરત ડામોરે પત્નીને આરોપી પ્રેમી સાથે રંગે હાથ પકડી પાડ્યા હતા. જેથી ઝઘડો થતાં આરોપી પંકજ પોતાના વતનમાં જતો રહ્યો હતો.
વતનમાં પંકજની સગાઈ થઈ ગઈ હતી, પરંતુ મૃતક મધુબેન ડામોરે પ્રેમીને ફોન કરી પોતાની સાથે લગ્ન કરવાની જીદ કરી ઝઘડો કર્યો હતો. જેના કારણે પંકજ સાવ તેની સગાઈ તોડીને અમદાવાદ આવ્યો હતો.
મૃતક મધુબેન ડામોરને બે બાળકો હોવાથી લાંબા સમય સુધી પ્રેમી સાથે લગ્ન ન કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ ગુસ્સામાં આવી મધુબેન ડામોરનું દુપટ્ટાથી ગળું દબાવી મોત નીપજાવી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આરોપીની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








