VIDEO: આ છે વિકસિત ગુજરાતનાં શિક્ષણ મોડલની નરી હકીકત
ખેડા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળામાં બાળકોને ઘણા સમયથી ભર શિયાળે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. ખેડાના ઠાસરા તાલુકામાં પીપલવાળા ગામની દીપકપુરા પ્રાથમિક શાળામાં આશરે 90 થી 95 બાળકો પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે. ઘણા સમયની રજૂઆતો છતાં પણ જર્જરીત શાળાના ઓરડાઓનું નવીનીકરણ થયું નથી, આ કારણે બાળકોને ભણવા માટે ખુલ્લામાં બેસવાની નોબત આવી છે. અહીં ઠાસરા તાલુકાના અંતરિયાળ ગામોમાં બે થી ત્રણ કિલોમીટરના રોડ રસ્તા પણ તૂટી ગયેલા છે.
પાછલા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાળાના એક માત્ર શિક્ષકે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી બે ઓરડાની શાળાનો એક ઓરડો સાફ કરી તેમાં ભણવવાનું ચાલુ કર્યું હતું. પરંતુ જર્જરિત અવસ્થાને કારણે દિવાલના પોપડા ઉખડતા હતા અને તેને કારણે વિદ્યાર્થીઓને ઈજા થતી હતી જેથી ફરી શિક્ષકે બાળકોને બહાર ભણાવવાનું ચાલુ કર્યું હતું.
આ પણ વાંચો : VIDEO: રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી દસ્તાવેજ સાથે ચેડાનો મુદ્દો, ભોગ બનનારે બતાવી આપવીતિ
સ્કૂલના બાળકોને ભણવા જવામાં મોટી તકલીફ એ છે કે અહીં બસ કે વાહનો આવતા ન હોવાથી કાં તો સાયકલ અથવા તો ચાલતા શાળાએ જવું પડે છે. આ મુદ્દે ઠાસરાના ટી પી ઓ. રમેશ ભાઈ પાસે ટેલીફોનીક સંપર્ક કરીને જણાવાયું હતું તેમજ પ્રાથમિક શાળામાં જઈ તપાસ પણ હાથ ધરવામા આવી હતી. જેમાં વર્ગખંડ અત્યંત જર્જરીત અવસ્થામાં જોવા મળ્યાં હતા. ઘટનાને અનુક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી અને ડી.ડી.ઓ.ને જણાવી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે.

