5 હજાર ટનની મંજૂરી, ખોદી નાખી 1 લાખ ટનથી વધુ માટી! મલાતજમાં ₹2.59 કરોડનો દંડ પણ વસૂલાયો નહીં

મહેમદાવાદ તાલુકાના મલાતજ ગામમાં ગૌચર અને સરકારી તળાવમાંથી બેફામ માટી ચોરી કર્યાની ફરિયાદો સામે આવી છે. જેમાંથી 5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મંજૂરી કરતા 1 લાખ મેટ્રિક ટન વધુ માટી ખોદી કૌભાંડીઓએ ખિસ્સા ભર્યા હોવા છતાં અધિકારીઓ માત્ર કાગળ પર દંડ ફટકારી સંતોષ માની રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી હોવા છતાં ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ ન થતા મિલીભગતની આશંકા પ્રબળ બની છે.
મલાતજમાં ગૌચર-તળાવમાંથી લાખ ટન માટી ચોરીનો આરોપ
મલાતજ ગામના બ્લોક નંબર 398 સરકારી તળાવ અને બ્લોક નંબર 401 ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આરોપ ઉઠ્યા છે. ડિસેમ્બર 2024 માં તળાવ ઊંડું કરવાના બહાને પંચાયતે ઠરાવ કર્યા બાદ 2 જાન્યુઆરી 2025 ના રોજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિક બારૈયાને માત્ર 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની 20 દિવસની પરમીટ અપાઈ હતી. પરંતુ આ મંજૂરીની આડમાં 31 માર્ચ 2025 સુધી બેફામ મશીનરી ચલાવીને માટી ઉલેચાઈ હતી, તેવો આક્ષેપ કરાયો છે. ગ્રામજનો અને પૂર્વ ડેપ્યુટી સરપંચ દિનેશ પરમારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા ભૂસ્તર વિભાગે 25 એપ્રિલ 2025 ના રોજ સ્થળ તપાસ કરી હતી. આ માપણીમાં મંજૂર થયેલા જથ્થા સામે 1,04,990 મેટ્રિક ટન વધુ માટી ખોદાઈ હોવાનું સામે આવ્યું હતું. તળાવમાંથી 22,683 મેટ્રિક ટન અને ગૌચરમાંથી 83,610 મેટ્રિક ટન માટી ઉપાડી લેવાઈ હતી. ભૂસ્તર વિભાગે 2.59 કરોડ રૂપિયાનો દંડ ફટકારી કારણદર્શક નોટિસ આપી હતી. પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
આ કૌભાંડમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો, અધિકારી, તાલુકા-જિલ્લાના અધિકારીઓની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એસીબીમાં પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ કરાઈ હતી, જેની તપાસના આદેશો અપાયા છે. તેમ છતાં મે 2026 અને જૂન 2026 દરમિયાન વધુ 5 લાખ મેટ્રિક ટન માટી ઉપાડી લેવાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
એસીબી તપાસની ફાઈલો ક્યાં દબાઈ ગઈ ?
જુલાઈ 2025માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં બ્યુરોએ મહેસૂલ પંચાયત અને ઉદ્યોગ ખાણ વિભાગને તપાસના આદેશો કર્યા હતા. નિવારક તકેદારી નિરીક્ષણ હેઠળ તપાસ સોંપાઈ હોવા છતાં દોઢ વર્ષ વીતવા છતાં કોઈ ભ્રષ્ટ અધિકારી કે પદાધિકારી સામે એફઆઈઆર ન થતા ગાંધીનગરના ઈશારે ભીનું સંકેલાયું હોવાની ચર્ચા જાગી છે.
2,59,06,318 રૂપિયાનો દંડ વસૂલવાની નોટિસ
ભૂસ્તર વિભાગના સર્વેયરે સ્થળ પર જઈને આધુનિક મશીનથી માપણી કરી ત્યારે 1,06,293 મેટ્રિક ટન માટીના કદાવર ખાડા જોવા મળ્યા હતા. 175 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન લેખે ખનીજ કિંમત અને પર્યાવરણ નુકસાનીના વળતરના મળીને કુલ 2,59,06,318 રૂપિયાનો દંડ વસૂલવાની નોટિસ અપાઈ હતી. જે આજ દિન સુધી વસૂલાઈ નથી કે માટી ઉપાડનારાઓ પર પોલીસ કેસ પણ થયો નથી.
વિરોધ કરનારાઓને ચૂંટણીની અદાવત : ડે.સરપંચ
આ વિવાદ અંગે મલાતજના ડેપ્યુટી સરપંચ વિજયકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, તળાવ ખોદકામનો વિવાદ કેટલાક વિઘ્નસંતોષી લોકો દ્વારા ચૂંટણીની અદાવત રાખીને ઊભો કરવામાં આવ્યો છે. 2025 માં તળાવ ખોદકામની મંજૂરી બાદ થોડું વધુ ખોદકામ થતા ભૂસ્તર વિભાગે દંડ ફટકાર્યો હતો, અને અમે જાતે જ ખનિજ વિભાગને બોલાવીને તપાસ કરાવી હતી. આ તળાવ ખોદવાથી ખેડૂતોને સિંચાઈ માટે મોટો ફાયદો થયો છે અને તેઓ હવે બે સીઝનનો પાક લઈ શકે છે. વિરોધ કરનારા સભ્યને ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી અને અન્ય એક ભાઈને ભાજપમાંથી ટિકિટ મળી હતી, પરંતુ અમે તેમનો પક્ષ ન લેતા તેઓ વિરોધ કરી રહ્યા છે.
નવેમ્બરમાં ફરી મુખ્યમંત્રીના દરબારે ગુહાર
તમામ સ્તરે નિષ્ફળતા મળતા આખરે 23 નવેમ્બર 2026 ના રોજ મલાતજના ગ્રામજનો અને પંચાયતના સભ્ય રમેશ વસાવાએ મુખ્યમંત્રીને સીધું આવેદનપત્ર મોકલી તમામ આરોપીઓની યાદી આપી છે. સરકારી જમીન અને ગૌચરને નુકસાન પહોંચાડનારા તત્વોની તાત્કાલિક ધરપકડ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે.
3 લોકો આવેદનપત્ર લાવ્યા હોવાથી નહીં સ્વીકારાય
આ બાબતે મલાતજ ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગૌચરમાંથી માટી ઉલેચી લેવા અંગે અમે અગાઉ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા. જોકે, કલેક્ટર હાજર નહોતા. તે બાદ અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચતા, અધિક કલેક્ટરે 3 લોકો રજૂઆત કરવા આવ્યા હોવાથી આવેદનપત્ર સ્વીકારાશે નહીં, તેમ ઉદ્ધત જવાબ આપ્યો હતો અને ગોળ-ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રકારે વર્તન કરી અધિકારીઓ આરોપીઓને છાવરી રહ્યા હોવાનું પણ સભ્યએ આક્ષેપ કર્યો છે.















