સુરતના જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનના સમયને લઈને રજૂઆત, મોર્નિંગ વોકર્સને કલાક સુધી રહેવું પડે છે બહાર
સુરતના અડાજણ વિસ્તારમાં જ તાજેતરમાં જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સુરતના અડાજણ વિસ્તારમાં જ તાજેતરમાં જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનમાં કરોડો રૂપિયાના ખર્ચે ખૂબ સારી સુવિધાઓ કરવામાં આવી છે. લોકો તેનો મહત્તમ ઉપયોગ પણ કરતા થઈ ગયા છે, પરંતુ તેના સમયમાં ફેરફાર કરવા માટેની રજૂઆત આજે સ્થાનિક કોર્પોરેટરને કરવામાં આવી હતી.
5 વાગ્યે ખોલવા રજૂઆત
સુરતના અડાજણ વિસ્તારમાં જ્યોતીન્દ્ર દવે ગાર્ડન ખૂબ જ જાણીતું છે. અહીં લોકોની વસ્તી પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, તેથી તેનો ઉપયોગ ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે થતો હતો. ટોરેન્ટ પાવર ગ્રુપ દ્વારા પોતાના સીએસઆર ફંડમાંથી જ્યોતીન્દ્ર દવે ગાર્ડન તૈયાર કર્યું છે. તાજેતરમાં જ ઉદ્યાનું નવીનીકરણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્યાન ખૂબ જ વિશાળ હોવાને કારણે અહીં આસપાસના લોકો પણ મોર્નિંગ માટે ખૂબ મોટી સંખ્યામાં આવે છે. સાંજના સમયે આસપાસના લોકો તેમના પરિવાર સાથે સમય પસાર કરવા પણ અહીં આવે છે. સ્થાનિક લોકો જે કાયમી ઉદ્યાનમાં મોર્નિંગ વોક કરવા માટે આવે છે, તેમણે રજૂઆત કરી કે, સવારે છ વાગ્યે ઉદ્યાન ખોલવામાં આવે છે, તેને બદલે 5 વાગ્યે ખોલી દેવામાં આવે જેથી કરીને મહત્તમ લોકો તેનો લાભ લઈ શકે. ઘણા ખરા લોકો પાંચ વાગે ત્યાં આવી જાય છે, પરંતુ ગાર્ડન ખુલ્લું ન હોવાને કારણે તેની ચારે તરફ મોર્નિંગ વોક કે જોગિંગ કરતા જોવા મળે છે. સ્થાનિક કોર્પોરેટર પણ ત્યાં સવારે કસરત કરવા આવતા હોવાને કારણે લોકો દ્વારા કોર્પોરેટર અને અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
સિક્યુરિટીના કારણે ઉભા થયા પ્રશ્નો
સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના દંડક ધર્મેશ વાણીયાવાલાએ લોકોની રજૂઆત સાંભળ્યા બાદ તેમને કહ્યું હતું કે, પાંચ વાગ્યા ઉદ્યાન ખુલે તેવી રજૂઆત આજે મ્યુનિસિપલ કમિશનરને કરી દેવામાં આવશે. લોકો ગાર્ડનનો મહત્તમ ઉપયોગ કરે તે હેતુથી જ આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. લોકો જે આસપાસ રહે છે તે પણ ખૂબ જ જવાબદાર લોકો છે. ક્યારે પણ અહીં કોઈ નુકસાન કરતા હોવાનું જણાય આવ્યું નથી. તેથી સિક્યુરિટીના કારણે પણ જો કેટલાક પ્રશ્નો ઊભા થતા હશે તો એની પણ રજૂઆત કમિશનરને કરી દેવામાં આવશે.








