'વન્યપ્રાણીના હુમલામાં મોત થાય તો પરિવારને 50 લાખ અને સરકારી નોકરી આપો', જૂનાગઢમાં કિસાન સંઘની મોટી માગ

જૂનાગઢ જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય હિંસક પ્રાણીઓ દ્વારા ખેડૂતો અને ખેતમજૂરો પર થતા હુમલાઓએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં વિસાવદરના રબારીકા ગામે એક ખેતમજૂર પર સિંહે હુમલો કરી ફાડી ખાધાની કરુણ ઘટના બની છે. છેલ્લા બે વર્ષથી ખેડૂતો અને ખેતમજૂરો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં, સરકાર અને વન વિભાગ માત્ર કાગળ પરની કામગીરી અને નિવેદનો પૂરતું સીમિત રહીને ગ્રામીણ જનજીવનના જીવના જોખમ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.
વન અધિકારી સામે કાર્યવાહી કરો: કિસાન સંઘ
વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં કિસાન સંઘ દ્વારા વન્યપ્રાણીઓના વધતા ત્રાસ અંગે ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોને સાથે રાખી ભારતીય કિસાન સંઘ દ્વારા વિસાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વન વિભાગની નિષ્ક્રિયતા સામે 8 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો વન વિભાગ અને તંત્ર દ્વારા આ તમામ માંગણીઓનો સંતોષકારક અને સુખદ ઉકેલ નહીં લાવવામાં આવે તો ખેડૂતોને નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગની રહેશે.
સરકાર સમક્ષ ઉઠાવવામાં આવેલી 8 માંગણી
રબારીકા ગામે બનેલી કરુણ ઘટનાની પૂર્ણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં પ્રવેશે કે તુરંત જ તેમને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પરત લઈ જવામાં આવે.
હુમલાની ઘટના વખતે માત્ર એક-બે કર્મચારી મોકલવાના બદલે 108 આરોગ્ય સેવાની જેમ પૂરતા સાધન-સરંજામ સાથે સજ્જ વાન મોકલવામાં આવે, જેથી હુમલાખોર પ્રાણીને વહેલી તકે પકડી શકાય.
વન્ય પ્રાણીઓ રહેણાંક અને ખેતીના વિસ્તારોમાં ન ઘૂસે તે માટે જંગલ વિસ્તારની બોર્ડર પર મજબૂત ફેન્સિંગ કરી સુરક્ષિત કરવામાં આવે.
હુમલામાં ઈજાગ્રસ્ત ખેડૂત/ખેતમજૂરના આજીવન નિભાવ માટે 10 લાખ, જ્યારે મૃત્યુના કિસ્સામાં 50 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી/યોગ્ય નોકરી આપવામાં આવે.
માનવ હુમલો, મૃત્યુ, પશુ મારણનું વળતર, વન્ય પ્રાણીઓના શેડ્યુલ તેમજ વન્ય પ્રાણીના મૃત્યુના કિસ્સામાં લાગુ પડતા દંડ અને સજાની સ્પષ્ટ માહિતી આપવા દરેક ગામમાં જાહેર મિટિંગો યોજવામાં આવે.
જંગલમાં પૂરતો ખોરાક કે પાણી ન મળવાના કારણે પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવે ત્યારે તેમનું લોકેશન મેળવી લાગુ પડતા ગામોને અગાઉથી જાણ કરી સાવચેત કરવામાં આવે.
ભવિષ્યમાં બનતા દરેક માનવ મૃત્યુના કિસ્સામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.











