અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે વધુ એક ભારતીયનું મોત! ઓમાન નજીક જહાજ પર હુમલામાં ગુજરાતના ખલાસીએ ગુમાવ્યો જીવ

ઓમાનના દરિયાકાંઠે સોમવારે ભારતીય ધ્વજ ધરાવતા એક કાર્ગો જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં એક ભારતીય ખલાસીનું મોત થયું છે, જ્યારે જહાજમાં સવાર અન્ય 13 ભારતીયો સુરક્ષિત છે.
મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, '14 ભારતીય ખલાસીઓને લઈને જઈ રહેલા ભારતીય જહાજ MSV AL JUSUFI પર ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજ્ઞાત હવાઈ વસ્તુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ 13 ખલાસીઓ સુરક્ષિત રીતે જહાજમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને ઓમાનના કોસ્ટ ગાર્ડ દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે જહાજમાં સવાર એક ખલાસીનું ઇજાઓને કારણે મોત થયું છે. મૃતકની ઓળખ ગુજરાતના વતની ગંધાર નહિમ અજીજ તરીકે થઈ છે.
આ ઘટનામાં ભારતીય નાગરિકના મોત સાથે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીયોની સંખ્યા ઓછામાં ઓછી 23 થઈ ગઈ છે. ભારતે જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે અને ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પ્રયાસો કરવાની અપીલ કરી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે અને બચી ગયેલા 13 ખલાસીઓને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, બાકીના ખલાસીઓને ઝડપથી ભારત પરત લાવવા તેમજ મૃતક ખલાસીના પાર્થિવ દેહને સ્વદેશ લાવવા માટે પણ મંત્રાલય પ્રયાસ કરી રહ્યું છે.
જહાજો પરના હુમલાને લઈને સરકાર 'ઘણી ચિંતિત'
વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી. સાથે જ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને તાત્કાલિક ઓછો કરવાની અપીલ કરી હતી.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર સતત થઈ રહેલા હુમલાની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. અમે ફરી એકવાર તણાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટાઘાટો પૂર્ણ કરવાની અપીલ કરીએ છીએ, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે.'
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાંને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાંથી જહાજોની મુક્ત અને અવરોધરહિત અવરજવર તથા વેપાર વહેલી તકે પુનઃસ્થાપિત થવો જોઈએ.
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયા બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જહાજો અને ઓઇલ ટેન્કરો પરના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 ભારતીય નાગરિકોના મોત થયા હતા. સોમવારના હુમલા બાદ આ આંકડો વધીને 23 થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર હુમલાની ઘટનાઓ અગાઉ ભાગ્યે જ જોવા મળી હતી.
આ પહેલાં મે મહિનામાં પણ ઓમાનના દરિયાઈ વિસ્તારમાં અજ્ઞાત હવાઈ હુમલાને કારણે ભારતીય માલિકીનું એક જહાજ ડૂબી ગયું હતું. તે સમયે પણ વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરીને તેને 'અસ્વીકાર્ય' ગણાવી હતી.
ભારતીય ખલાસીઓ સવાર હોય તેવા જહાજો પર અગાઉ પણ હુમલા
ભારતીય ખલાસીઓ સવાર હોય તેવા જહાજોને તાજેતરના સમયમાં અનેક વખત નિશાન બનાવવામાં આવ્યાં છે.
- 30 ઓક્ટોબર: 27 ભારતીય ખલાસીઓને લઈને જઈ રહેલા પનામાના ધ્વજવાળા એક ઓઇલ ટેન્કર પર હોર્મુઝની ખાડીમાં લિમ્પેટ માઇન્સ (જહાજ સાથે ચોંટાડવામાં આવતા વિસ્ફોટકો) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોને કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી, જેને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી.
- 11 ઓક્ટોબર: હોર્મુઝની ખાડીમાં ભારતીય ખલાસીઓ સવાર હોય તેવા બે જહાજોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ઓમાનના સોહાર નજીક નિકારાગુઆના ધ્વજવાળા ટેન્કર MT Petro Dolphin પર ડ્રોન હુમલો થયો હતો. આ ઘટનામાં બે ભારતીય ખલાસીઓ લાપતા થયા હતા.
- આ જ દિવસે માર્શલ આઇલેન્ડના ધ્વજવાળા MT Valthera જહાજ પર પણ હોર્મુઝની ખાડીમાં અજ્ઞાત પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં 11 ભારતીય ખલાસીઓ સવાર હતા.











