રુબિયોએ ઈરાની પ્રતિનિધિમંડળને તાત્કાલિક ન્યૂયોર્ક છોડવા કેમ કહ્યું? અમેરિકા-ઈરાન વચ્ચે શું થયું?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)માં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમના પ્રતિનિધિમંડળને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નિર્ધારિત સમય પહેલાં ન્યૂયોર્ક છોડવા કહ્યું હોવાનો અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે.
યુએન મહાસભા માટે ઈરાની પ્રતિનિધિમંડળ ન્યૂયોર્કમાં હતું
અમેરિકાએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ છતાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન, વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમના પ્રતિનિધિમંડળને યુએન મહાસભામાં ભાગ લેવા માટે વિઝા આપ્યા હતા. જોકે, આ વિઝા પર કેટલાક કડક પ્રતિબંધો પણ હતા. ઈરાની રાષ્ટ્રપતિ યુએનમાં સંબોધન કર્યા બાદ ન્યૂયોર્કથી પરત થઈ ગયા હતા, જ્યારે અરાઘચી ત્યાં રોકાયા હતા.
અરાઘચી કેમ ન્યૂયોર્કમાં રોકાયા હતા?
અરાઘચીના ન્યૂયોર્કમાં રોકાવા પાછળ અમેરિકા સાથેની પરોક્ષ વાટાઘાટો (Indirect Talks) મુખ્ય કારણ હોવાનું જણાવાયું હતું. આ ચર્ચામાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ફરી ખોલવા, સંઘર્ષનો અંત લાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ફરી વાતચીત શરૂ કરવા જેવા મુદ્દાઓ સામેલ હતા.
કતારની મધ્યસ્થીથી પણ વાત આગળ ન વધી
અમેરિકા અને ઈરાન વચ્ચેની ચર્ચામાં કતારના મધ્યસ્થીઓ (Mediators) પણ સામેલ હતા. જોકે, સપ્તાહના અંતે યોજાયેલી બેઠકોમાં કોઈ મોટી પ્રગતિ થઈ ન હોવાનું અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું. આ બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની રાજદ્વારી પ્રક્રિયા (Diplomatic Process) અટવાઈ હોવાનું સામે આવ્યું.
રુબિયોએ તરત પરત જવા કહ્યું હોવાનો દાવો
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે રુબિયોએ ઈરાની પક્ષને અરાઘચી અને તેમના પ્રતિનિધિમંડળને ન્યૂયોર્કમાંથી તાત્કાલિક પરત મોકલવા અંગે જાણ કરી હતી. અમેરિકન અધિકારીઓનું કહેવું હતું કે યુએનની ઉચ્ચસ્તરીય બેઠકો પૂરી થઈ ગઈ હતી અને હવે ઈરાની ટીમે ન્યૂયોર્કમાં રોકાવાની જરૂર નહોતી.
ઈરાનનો અલગ દાવો, કહ્યું- પ્રસ્થાન પહેલેથી નક્કી હતું
આ સમગ્ર મામલે ઈરાની યુએન પ્રતિનિધિમંડળે અમેરિકન દાવાને નકારી કાઢ્યો છે. ઈરાની પક્ષે જણાવ્યું કે તેમનું ન્યૂયોર્કથી પ્રસ્થાન પહેલેથી જ નક્કી હતું અને આ કાર્યક્રમની જાણ અમેરિકાના વિદેશ વિભાગ (State Department)ને 17 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. એટલે કે, ઈરાનના જણાવ્યા મુજબ તેમને અમેરિકામાંથી કાઢવામાં આવ્યા નથી.
અમેરિકા-ઈરાન સંબંધોમાં તણાવ યથાવત
આ ઘટનાએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં રહેલા તણાવને ફરી ઉજાગર કર્યો છે. એક તરફ કતાર સહિતના મધ્યસ્થીઓ અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હોર્મુઝની ખાડી, પરમાણુ કાર્યક્રમ અને સંઘર્ષના અંત જેવા મુદ્દાઓ પર બંને પક્ષ વચ્ચે મતભેદ યથાવત છે.

